Latest

વાયબ્રન્ટ ગુજરાત પ્રિ – સમિટ : આણંદ

ગુજરાતમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રો માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થતા વિદેશોમાં પણ નિકાસની વિપુલ શક્યતાઓ રહેલી છે

એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં થનાર મૂડી રોકાણ ખેડૂતોના ભવિષ્યને બહેતર બનાવવા સાથે દેશની ખાદ્યાન્ન સુરક્ષા પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

સેમિનારમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ ૫૫ સમજૂતી કરાર પૈકી સાત સમજૂતી કરાર કરવામાં આવ્યા

સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વ કર્મા અને કૃષિ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની વિશેષ ઉપસ્થિતિ*

આણંદમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા રોકાણકારો અને વેપારી સમુદાય માટે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ યોજાઈ

આણંદ, ગુરુવાર :: રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતના લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રિ-વાયબ્રન્ટ સેમિનારને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતમાં ખુલ્લો મૂક્યો હતો.

આ સેમિનારમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ ૫૫ સમજૂતી કરાર પૈકી સાત સમજૂતી કરાર મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટરનરી યુનિટનું મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશનું મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે, ત્યારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં થનાર મૂડી રોકાણ ખેડૂતોના ભવિષ્યને બહેતર બનાવવા સાથે દેશની ખાદ્યાન્ન સુરક્ષા પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપશે.

ગુજરાતમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના  વિકાસની વિપુલ તકો સાથે વિદેશોમાં પણ નિકાસની શક્યતાઓ રહેલી છે તેનો ઉલ્લેખ કરતા કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાંથી દેશમાં અને વિદેશમાં નિકાસ માટે પરિવહનની કોઈ અગવડ ન પડે તે માટે આધુનિક રસ્તોનું નેટવર્ક,રેલવે નેટવર્ક, હવાઈ નેટવર્ક સાથે સરકારે પ્રોત્સાહક નીતિઓ પણ અમલમાં મૂકી છે જેનો લાભ લેવા તેમણે રોકાણકારોને આહવાન કર્યું હતું.

કૃષિ મંત્રીશ્રીએ ગુજરાતમાં થઈ રહેલા કૃષિ વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં ગુજરાતનો કૃષિ વિકાસ દર ૮.૬ ટકા હતો જે અરસામાં દેશનો કૃષિ વિકાસ દર માત્ર ૩.૨ ટકા હતો.ગુજરાત આજે ૧૧ ટકા ઉપરાંત કૃષિ વિકાસ દર સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.

રાજ્યમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો વિકાસ થતા નિકાસને વેગ મળશે તેનો સીધો લાભ રાજ્યના ખેડૂતોને થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગમાં તકનીકી પ્રગતિ સાથે મૂલ્યવર્ધન એ જ ભવિષ્યનો માર્ગ છે. આ ક્ષેત્ર મહત્તમ રોજગારીનું સર્જન કરી શકે તેમ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ સેમિનાર સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.

રાજ્યમાં ૩૦ હજારથી વધુ ફૂડ પ્રોસેસિંગ એકમો કાર્યરત છે અને સરપ્લસ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનના અવકાશનો વિસ્તાર કર્યો છે જેનો શ્રેય નિકાસ માટેની સુધરેલી કનેક્ટિવિટીને જાય છે.

સમગ્ર વિશ્વમાં આજે લોકોની ફૂડ હેબિટ બદલાઈ રહી છે ત્યારે લોકોને અનુકૂળ અને આરોગ્યપ્રદ હોય એવા ખાદ્યાન્ન ઉત્પાદનો કરી વિદેશોમાં લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા તેમણે જણાવ્યું હતું.

કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩ ના વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના કરી તેને સાચા અર્થમાં સાકાર કરી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવવાનું સંનિષ્ઠ કાર્ય આરંભ્યું હતું. આજે ૨૦ વર્ષ બાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ સામાજિક – આર્થિક વિકાસ માટેનું વૈશ્વિક મંચ બન્યું છે.

ગુજરાતમાં ઉત્પાદિત વિવિધ પ્રકારના અનાજ, મસાલા, ફળ, શાકભાજી વગેરેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે, તેના પરિણામે ગુજરાત આજે કૃષિ ક્ષેત્રે દેશમાં આગળ પડતું સ્થાન ધરાવવાની સાથે દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

ગુજરાતમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રો માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે. આજે ગુજરાતમાં આ ક્ષેત્રે અનેક પ્રોજેક્ટ કાર્યરત છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો પણ સમાંતર વિકાસ થાય તે માટે સરકાર ખેડૂતો માટે વાવેતરથી લઈ અને વેચાણ સુધી અનેકવિધ યોજનાઓ બનાવી જગતના તાતને મદદરૂપ બની રહી છે.

એટલું જ નહીં પરંતુ કુદરતી આફતોના સમયે પણ સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે. તેવા સમયે ખેડૂતોએ પણ તેમના કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધન તરફ વળવું પડશે.

આ સેમિનારમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. મિનેષ શાહ, રસના પ્રા.લિ. ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પિરુઝ ખંભાતા, IIM-A ના વિઝિટિંગ પ્રોફેસર શ્રી વસંત ગાંધી અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે. રાકેશએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

પ્રારંભમાં GAICL ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડી.એચ.શાહે  સૌનો આવકાર કર્યો હતો.ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયેન મહેતાએ આભારવિધિ કરી હતી. આ સેમિનારમાં ઉપસ્થિતોએ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિહાળી હતી.

આ પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં વાયબ્રન્ટ ગુજરાત: જ્યાં વિકાસ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ માટે ફૂડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, હરિત, શ્વેત અને વાદળી (ગ્રીન, વ્હાઇટ અને બ્લૂ) સત્રમાં ઇન્ડસ્ટ્રીઝ અને શિક્ષણ જગતના નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું જેની મદદથી ગુજરાત ગ્લોબલ ફૂડ પ્લેટરને મજબૂત બનાવશે.

આ ઉપરાંત સેમિનારમાં જૂથ ચર્ચામાં નવા સ્ટાર્ટઅપ્સ માટે ઇન્ક્યુબેશન સપોર્ટ, ક્લસ્ટર-સેન્ટ્રિક એક્સપોર્ટ, ફૂડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે બ્લોકચેઇન સુધીના વિવિધ વિષયોનો સમાવેશ થશે. NDDB,  રસના, UPL, IBM, કન્સલ્ટિંગ, ટાટા સોલફુલ, APEDA, IIMR, નેડસ્પાઇસ ઇન્ડિયા અને હેરિસન્સ વેન્ચર્સ જેવી સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ સેમિનારમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમૂલના વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપાના, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી કે. બી. કથીરિયા, ઉત્તરપ્રદેશના કૃષિ વિભાગના સચિવ ડૉ. રાજ શેખર, કૃષિ-અમુલ-એન.ડી.ડી.બી. ના અધિકારીઓ તેમજ દેશભરમાંથી આવેલા આ ક્ષેત્રના નિષ્ણાતો, પ્રતિનિધિઓ, રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 555

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *