Latest

સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી કરતા ગુજરાતના રાજ્યપાલ

આણંદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખીને એક પ્રેરણાદાયક પહેલ રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની એસ.ટી. બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરીને આણંદ પહોંચ્યા હતા.

આ મુસાફરી માટે રાજ્યપાલએ ઑનલાઇન એડવાન્સ બુકિંગ દ્વારા નોન-એસી સુપર ડિલક્સ શ્રેણીની એસ.ટી. બસમાં ત્રણ ટિકિટ બુક કરાવી હતી. આ બસ વિસનગરથી આણંદ સુધીની GJ-18 ZT-0519 નંબરની ઓર્ડિનરી બસ સેવા હતી.

રવિવાર સવારે 7:20 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કોઈ પૂર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર એસ.ટી. ડેપો પહોંચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરો સાથે આ બસમાં બેઠા હતા. બસ નિર્ધારિત રૂટ અને સ્ટોપેજ મુજબ અમદાવાદના રાણીપ, ગીતામંદિર વગેરે થઈને આગળ વધતી રહી અને સવારે 10:15 વાગે રાજ્યપાલ આણંદ એસ.ટી. બસ સ્ટેશન પર ઉતર્યા હતા.

આ સહજ અને સાદગીભરી સફર દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બસમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે સંવાદ કર્યો અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી પરિવહન સુવિધાઓ અંગે તેમના અભિપ્રાય જાણ્યા હતા. તેમણે જણાવ્યું કે, મુસાફરો એસ.ટી. રોડવેઝની સેવાઓ અને તેમાં થતા નવીનીકરણથી સંતોષ અનુભવી રહ્યા છે.

રાજ્યપાલએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે, “લાંબા સમયથી મારી ખુબ ઈચ્છા હતી કે એક દિવસ હું ગુજરાત રોડવેઝની સામાન્ય બસમાં, સામાન્ય નાગરિકો સાથે મુસાફરી કરું. સવારે 7:20 વાગ્યે ગાંધીનગરથી નીકળી અને આશરે 10:15 વાગ્યે આણંદ પહોંચ્યો. આ યાત્રા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોના ભાઈ-બહેનો સાથે મુલાકાત અને વાતચીતનો અવસર મળ્યો.”

આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, “બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ, નાનાં બાળકો, યુવાનો, વૃદ્ધો તમામ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. લોકો સરકાર તરફથી આપવામાં આવતી પરિવહન સુવિધાઓથી પ્રસન્ન છે. મુસાફરો સાથેની મારી મુસાફરીમાં મને આત્મિયતા અને આનંદનો અનુભવ થયો. મારા માટે પણ આ યાત્રા અત્યંત સુખદ અને યાદગાર રહી.”

તેમણે કહ્યું કે, “જનતા અને શાસન વચ્ચે જે સમરસતા અને સંવાદ હોવો જોઈએ, તેનો જીવંત અનુભવ મને આ યાત્રામાં થયો. હું માનું છું કે આવી મુસાફરીઓ જનતા સાથે સીધું જોડાણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.”

રાજ્યના પ્રથમ નાગરિક તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકોની સાથે બસમાં મુસાફરી કરી અને પ્રશાસન, જનસંપર્ક તથા જનસેવાના મક્કમ મૂલ્યોને સાકાર કર્યા છે.

આણંદ એસ.ટી. સ્ટેશન પર જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર આર. એસ. દેસાઈ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે. બી. કથીરીયા તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજ્યશ્રી આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *