ગોધરા, વી.આર. એબીએનએસ, (પંચમહાલ)::ગોધરાથી બાલાસિનોર-કઠલાલ તરફ પસાર થતાં અમદાવાદ – ઇન્દોર ધોરી માર્ગ પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. આ ખાડા એટલા મોટા અને ઊંડા છે કે મોટું વાહન પણ જો પછડાય તો પલટી જાય તેવી સ્થિતિ હોય છે.
આ ખાડાથી બચવા જતાં એકલ દોકલ વાહન ઘણી વખત અકસ્માતનો ભોગ બની જાય છે. જે ક્યારેક જીવલેણ પણ બને છે. આથી, આ રસ્તાની મરામત કરવા વાહન ચાલકોમાં ભારે માગ ઉઠી છે. અમદાવાદ – ઇન્દોર ધોરી માર્ગ પર ટોલ ટેક્સ માત્ર ખિસ્સા ભરવા માટે જ ઉઘરાવતા હોવાનું રસ્તાની હાલત જોઇ લાગી રહ્યું છે.
આ રસ્તાનું મરામત કરવામાં ન આવતા ઠેર ઠેર ધોવાણ થયું છે. કેટલીક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે. ચોમાસા દરમિયાન આ ખાડામાં પાણી ભરાયું હોય ત્યારે વાહન ચાલકને અંદાજ પણ નથી હોતો કે ખાડો કેટલો ઉંડો છે અને તેમાંથી પસાર થતા જ અકસ્માતનો ભોગ બને છે અથવા વાહનને ભારે નુકશાન થાય છે.
કઠલાલની લાડવેલ ચોકડીથી લઈને બાલાસિનોર – વાવડી ખુર્દ ટોલ સુધીના માર્ગ પર ખુબ મોટા ઊંડા ખાડા પડી જવાથી ફોર વ્હીલર વાહન ચાલક માટે ખુબ જોખમ કારક બની રહ્યું છે.
ખાસ કરીને રાત્રિના સમયે અંધકારમાં અચાનક ખાડામાં ટાયર પડવાથી કારની એલાઈમેંટ ખોરવાઇ જાય છે. બીજા અનેક મોટા નુકશાન વાહનને થાય છે. આ મોટા ખાડાઓના લીધે વાહનો સાથે અકસ્માત સર્જાતાં રહે છે અને લોકો મોતને ભેટી રહ્યા છે.
આ માર્ગ ઉપર કેટલાક બાઇક સવારો ખાડાઓમાં પટકાઈને મુત્યું પામ્યાના કિસ્સા છે. વાવડી ખુર્દ ટોલ પ્લાઝાના કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગ કરતાં હોય છે, તેમણે પણ આ મોટા ખાડાઓ દેખાતા નથી. તે આશ્ચર્યજનક બાબત છે. હાલ ટોલટેક્ષ ભરીને પણ રોડ ઉપર પડેલા ખાડાના કારણે અનેક પરેશાનીઓ અને યાતનાઓ ભોગવવી પડી રહી છે.
આ અંગે વાહન ચાલકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, ટોલટેક્ષ ચૂકવવા છતાં રોડની સારી સુવિધા મળતી નથી. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ રસ્તો વાપરવા પેટે વાહન ચાલક પૈસા ચૂક્વતો હોય છે. તેમ છતાં તેને સારી સુવિધા રોડ સંચાલક કે નેશનલ હાઈવે ઓથોરિટી સુવિધા પુરી પાડતી નથી.
આ માટે ટોલ કંપની વિભાગ સામે કાયદેસરના પગલાં ભરવા તેમજ સારી ગુણવત્તા વાળા રોડની યુદ્ધના ધોરણે સુવિધા આપવા બાબતે ગોધરાના અમદાવાદ તરફ નિયમિત મુસાફરી કરતા અને ટોલ ચૂકવતા વાહન ચાલકોએ ગુજરાત સરકારમાં અને જે તે વિભાગમાં ધારદાર રજૂવાત કરવા તજવીજ હાથ ધરી છે.