બે દિવસ પછી હેલીનો જન્મ દિવસ હતો. તેના વિચારોમાં ગજબની શ્રેષ્ઠતા હતી. દર વખતે તે પિતા પાસે કંઇક ને કંઇક માગતી પણ હવે સમજતી થઇ એટલે કંઇક અલગ જ માંગવાના ઈરાદા સાથે પપ્પાને ઓફીસથી એક દિવસ માટે રજા લેવાનું કહ્યું, દીકરી લાડકી હોવાથી પિતાને ના પાડવાની કોઈ બારી જ નહોતી. જન્મદિવસના દિવસે જ સવારે વહેલા ઉઠી નાહી-ધોઈ તૈયાર થઇ ને પપ્પાને પણ જલ્દી તૈયાર થવા આદેશ આપ્યો અને કહ્યું પપ્પા વચન આપો આજની મારી માંગણીઓનો તમે અસ્વીકાર નહી. કરો. પપ્પાએ લાડકી ને વચન આપ્યું.
ગાડીમાં પિતાને બેસાડી તેમની આંખે પટ્ટી બાંધી ગાડી ચલાવવા લાગી, અને ગાડી અંતે ક્રિષ્ના વૃદ્ધાશ્રમમાં જઈને અટકી, અને પપ્પાને હાથ પકડી અંદર લઇ ગઈ, હેલીને અને પિતાને જોતા જ ઘરડા દાદીના આંખમાંથી હરખના આંસુ સરી પડ્યા, હેલીએ તરત જ આંખની પટ્ટી પિતાની ખોલી અને એક જ શબ્દમાં પિતાને કહ્યું, “ જેમ તમને હું વહાલી છું તેમ દાદીને પણ તમે વ્હાલા છો, હવે દાદી આપણી સાથે ઘરે આવશે. તે જ મારી ભેટ. હું આપે આપેલા વચન પ્રમાણે માંગું છું.” અને હેલીએ કહ્યું, ડેડી કેવી લાગી મારી રિટર્નગિફ્ટ
“ઘરડાઓને ઘરનું જુનું ફર્નીચર ના સમજો,
તેમના નાખેલા વર્ષો પહેલાના બીજથી જ તમે ફુલ્યા ફાલ્યા છો.”
લેખિકા સુચિતા ભટ્ટ (કલ્પનાના સુર)