જામનગર, સંજીવ રાજપૂત: ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મકરસંક્રાંતિના દિને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય હળદર બોર્ડની શરૂઆત કરી. બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે પલ્લે ગંગા રેડ્ડીની જાહેરાત કરી હતી.
બોર્ડનું મુખ્યાલય નિઝામાબાદ ખાતે સ્થાપવામાં આવ્યું છે. ગોયલે કહ્યું કે રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન સમગ્ર દેશમાં એક શુભ દિવસે થઈ રહ્યું છે. રાષ્ટ્રીય હળદર બોર્ડમાં વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે.
જામનગર સ્થિત આયુષ મંત્રાલય હેઠળની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટ્રાના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. જોબન કિશોર મોઢાની રાષ્ટ્રીય હળદળ બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જે માત્ર જામનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપ્રદ બાબત છે. આ તકે સંસ્થાના ઇન્ચાર્જ નિયામક પ્રો. બી. જે. પાટગીરી દ્વારા ડૉ. જોબન કિશોર મોઢાને અભિનંદન સહ: શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હળદર બોર્ડની રચનાના પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમાર અને નિઝામાબાદના સાંસદ અરવિંદ ધર્મપુરી પણ હાજર હતા. ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક, વપરાશકરતા અને નિકાસકાર છે અને વિશ્વ વેપારમાં તેનો હિસ્સો 62 ટકાથી વધુ છે. 2023-24 દરમિયાન દેશમાંથી 226.5 મિલિયન ડૉલરની કિંમતની 1 લાખ 62 હજાર ટન હળદર અને હળદરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદર ક્ષેત્રને લગતી બાબતોમાં નેતૃત્વ, અન્ય સરકારી વિભાગો/એજન્સીઓ સાથે સંકલન અને દેશમાં હળદર ક્ષેત્રના વિકાસ અને વિકાસને સરળ બનાવીને હળદર ઉત્પાદન સંબંધિત પ્રયત્નોને વધારશે. નિકાસકારો અને ઉત્પાદક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ બોર્ડમાં મૂકવામાં આવશે.
મંત્રી ગોયલે કહ્યું કે હળદરને ‘સુવર્ણ મસાલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને નવનિર્મિત બોર્ડ મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મેઘાલય સહિત અન્ય 20 રાજ્યોના હળદરના ઉત્પાદક ખેડૂતોના કલ્યાણ પર વિશેષ ધ્યાન આપશે. હળદર બોર્ડની રચનાથી દેશના હળદર ઉત્પાદકોની આવકમાં વધારો થશે.
ગોયલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે 2023-24માં ભારતમાં 3 લાખ પાંચ હજાર હેક્ટર વિસ્તારમાં ખેતી હેઠળ 10 લાખ 74 હજાર ટન હળદરનું ઉત્પાદન થયું હતું. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે 70 ટકાથી વધુ હળદર અને તેની 30 જાતોનું ઉત્પાદન ભારતમાં થાય છે.