ઉત્તર-દક્ષિણ ઠાસરા ગળતેશ્વર જુથ પાણી પુરવઠા યોજના અને ઉમરેઠ ઉત્તર-દક્ષિણ જુથ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણ થતાં હવે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ૬૨ ગામના લોકોને તથા ઉમરેઠ શહેર સહિત તાલુકાના ૩૯ ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળશે
આણંદ, સોમવાર : રાજયના પ્રત્યેક વ્યક્તિને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરી કરોડો રૂપિયાના ખર્ચે અનેક નવી પાણી પુરવઠા યોજનાઓ બનાવી તેના સચોટ અમલીકરણ દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહયું છે. જેના પરિણામે આજે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પીવાના પાણી માટે ગ્રામ્યસ્તરની સ્વતંત્ર જુથ પાણી પુરવઠા યોજના ઉપર આધાર રાખવામાંથી મુક્તિ મળી રહી છે.
સરકારના આવા જ એક પ્રયાસના ભાગરૂપે આણંદ – ખેડા જિલ્લામાં અંદજિત રૂપિયા ૨૮૯.૬૭ કરોડના ખર્ચે ૪ નવી જુથ પાણી પુરવઠા યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેનું આજે લોકાર્પણ માતર તાલુકાના પરીએજ તળાવ ખાતેથી રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવનાર છે. આ ૪ યોજનાઓ પૂર્ણ થતાં હવે આણંદ – ખેડા જિલ્લાના વિવિધ તાલુકાના કુલ મળી ૧૦૧ ગામો અને ૧ શહેરની અંદાજિત ૪.૪૫ લાખની વસ્તીને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે.
આણંદ પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રાપ્ય વિગતો મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર સહિતના તાલુકાના ૩૯ ગામોના લોકોને તથા ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ૬૨ ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે રાજય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂપિયા ૨૮૯.૬૭ કરોડના ખર્ચે ૪ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ યોજનાઓ પૈકી ખેડા જિલ્લાના લોકો માટે રૂપિયા ૮૧.૭૦ કરોડના ખર્ચે દક્ષિણ ઠાસરા ગળતેશ્વર જુથ પાણી પુરવઠા યોજનાનું અને રૂપિયા ૭૬.૫૯ કરોડના ખર્ચે ઉત્તર ઠાસરા ગળતેશ્વર જુથ પાણી પુરવઠા યોજનાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આયોજના અંતર્ગત ઠાસરા તાલુકાના શાહપુર ખાતે હેડવર્સ્ય બનાવી ત્યાં ૩૩.૭૫ એમ.એલ.ડી. ક્ષમતાના જળ શુધ્ધિકરણ પ્લાન્ટ બનાવી ઉંચી ટાંકી મારફત પાઈપલાઈન દ્વારા ઠાસરા તાલુકાના ૨૪ અને ગળતેશ્વર તાલુકાના ૩૮ મળી કુલ ૬૨ ગામના ૨.૨૪ લાખ લોકોને દૈનિક ૧૦૦ લીટર પ્રતિ વ્યક્તિના ધોરણે મહીસાગર નદી આધારીત પીવાનું ચોખ્ખુ પાણી પહોંચાડવામાં આવશે.
તેવી જ રીતે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો માટે રૂપિયા ૮૯.૭૨ કરોડના ખર્ચે ઉમરેઠ દક્ષિણ જુથ પાણી પુરવઠા યોજના અને રૂપિયા ૪૧.૬૬ કરોડના ખર્ચે ઉમરેઠ ઉત્તર જુથ પાણી પુરવઠા યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ઉમરેઠ જુથ પાણી પુરવઠા યોજનાને બે જુથમાં વહેંચીને તેની હેઠળ આવતાં ૩૯ ગામ અને ઉમરેઠ શહેરના કુલ મળી ૨.૨૧ લાખ લોકોને પીવાનું શુધ્ધ પાણી પૂરૂ પાડવામાં આવશે.
આ યોજના અંતર્ગત સુંદલપુરા ગામે મહીસાગર નદીમાં ઈન્ટેકવેલ બનાવી ત્યાંથી સુરેલી હેડવર્ક્સ ઉપર બનાવવામાં આવેલ ૪૧.૭૦ એમ.એલ.ડી. ના જળશુધ્ધિકરણ પ્લાન્ટ ઉપર મહીસાગરનું પાણી લાવીને ત્યાંથી ઉમરેઠના ૨૦ ગામ અને ઉમરેઠ શહેરના લોકો માટે દૈનિક ૧૦૦ લીટર પ્રતિ વ્યક્તિના ધોરણે શુધ્ધ પાણી પહોંચાડવામાં આવશે. તેવી જ રીતે સુરેલથી પીવાનું શુધ્ધ પાણી ગંગાપુરા હેડવર્ક્સ ઉપર લાવીને ત્યાંથી ઉંચી ટાંકી મારફત યોજનામાં સમાવિષ્ઠ અન્ય ૧૯ ગામના લોકો સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવામાં આવશે.
આમ, રાજય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ૪ જુથ પાણી પુરવઠા યોજનાના કામોના પરિણામે આણંદ અને ખેડા જિલ્લાના જે ગામના લોકો અત્યાર સુધી ગ્રામ્ય સ્તરની સ્વતંત્ર જુથ પાણી પુરવઠા યોજના કે અન્ય યોજનાઓ અંતર્ગત પાણી મેળવતા હતા તેમને હવે મહીસાગર નદી આધારીત આ જુથ પાણી પુરવઠા યોજનાઓ થકી પીવાનું શુધ્ધ પાણી મળશે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ