કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાની ત્રણે બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે ત્રણે બેઠકો પર ભાજપે ઉમેદવારોની પસંદગી પછી સ્વાભાવિક પણે નારાજગી પ્રવર્તી રહી છે કોંગ્રેસના ઉમેઘ્વારોને મતદારોનો આવકાર મળી રહ્યો છે ત્યારે જીલ્લાની ત્રણે બેઠકો પર પંજાની પકડ ઢીલી કરી કમળ ખીલવવા માટે ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
ભાજપ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એકમાત્ર નરેન્દ્ર મોદી જ સહારો હોય છે. પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મીએ મોડાસામાં જંગી સભાને સંબોધન કરવાના હોવાથી પક્ષ દ્વારા તડામારતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે તમામ રાજકીય પક્ષોના અગ્રણી હરોળના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અરવલ્લી જીલ્લાની મોડાસા વિધાનસભામાં સતત બે ચૂંટણીમાં કોંગ્રેસ વિજય બની હતી, ત્યારે ભિલોડા બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે.
બાયડ બેઠક પર 2017માં કોંગ્રેસ ના ઉમેદવાર વિજય પ્રાપ્ત કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પક્ષ પલટો કરી કેસરીયો ધારણ કર્યા પછી પેટા ચૂંટણીમાં તેમનો કોંગ્રેસના જશુભાઈ પટેલ સામે કારમો પરાજય થતા ભાજપ માટે ભારે નાલોશી સહન કરવી પડી હતી.
ત્યારે મોડાસા શહેરમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ભાજપ માટે તારણહાર બની શકે છે કોંગ્રેસના ગઢમાં વડાપ્રધાન મતદારોને રિઝવવાના પ્રયાસ કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.