જીએનએ પાલનપુર: બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની પ્રેરણા, રૂપરેખા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત બનાસકાંઠા DDO RUNNING SHIELD FOR CRICKET TOURNAMENT નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની 60 ટિમો વચ્ચે 115 જેટલી મેચ રમાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની કપ્તાની હેઠળ જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી.
જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાના તમામ કર્મચારીઓમાં ટીમભાવનાનો વિકાસ થાય, તેમની ફરજો એક ટીમ તરીકે નિભાવવા માટે પ્રોત્સાહિત થાય અને ક્રિકેટની રમતની નવી પ્રતિભા મળી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની પ્રેરણા, રૂપરેખા અને માર્ગદર્શન હેઠળ તમામ કર્મચારીઓ વચ્ચે 11 જૂન થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની બે ટીમો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બે ટીમો એમ કુલ ચાર ટીમો તથા તાલુકા કક્ષાએ એક તાલુકા વિકાસ અધિકારીની ટીમ, એક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ, એક તાલુકા હેલ્થ ઓફિસની ટીમ અને એક આઈ.આર. ડી. એ ની ટીમ એમ સમગ્ર જિલ્લાની કુલ 60 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 3 સપ્ટેમ્બર રવિવારના રોજ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત A અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી થરાદની ટીમ વચ્ચે ભારે રસાકસી ભર્યા અને રોમાંચક મહોલમાં રમાઈ હતી.
જેમાં જિલ્લા પંચાયતની ટીમના કેપ્ટન સ્વપ્નિલ ખરેએ ટોસ જીતી ને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ટીપી ઓ થરાદની ટીમે 16 ઓવરની મેચમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારી ને 6 વિકેટે ૧૭૩ રન નું મુશ્કેલ ટાર્ગેટ આપ્યું હતું. પરંતુ જિલ્લા પંચાયતની ટીમે સૂઝબૂઝ થી અને એક વ્યૂહરચના સાથે રમીને 15.4 ઓવરમાં 4 વિકેટે 176 રન બનાવી આ ટારગેટ હાંસલ કરી જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી. મેચ દરમિયાન ટીમ સ્પિરિટની ભાવના સાથે અધિકારીઓ અને કર્મચારીઓએ રમતનો આનંદ માણ્યો હતો.