એબીએનએસ, ગોધરા (પંચમહાલ): રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત
તેમજ પંચમહાલ જિલ્લા વહીવટતંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી/રમત ગમત અધિકારી, ગોધરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર આશિષકુમારની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તમામ વયજૂથના ભાઈઓ માટેની જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા ગોધરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પેલ્ક્ષ ખાતે યોજાયી હતી.
આ સ્પર્ધા દરમિયાન જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈ રમત અનુરૂપ સુવિધાઓ પૂરી પાડવા તેમજ બેડમિન્ટન રમતમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. જિલ્લા કલેકટરએ તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તથા જિલ્લાને ગૌરવાન્વિત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાથી મોટી સખ્યામાં આવેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.ઉલ્લેખનીય છે કે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કે અન્ય વિસ્તારોમાં રહેતા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે
અને તેઓ તાલુકાકક્ષાએથી ખેલકુદમાં આગળ વધે અને જિલ્લા, રાજ્ય કક્ષાએ વધીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે હેતુથી દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લે છે.
















