કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાથી ભાદરવી પૂનમ દરમ્યાન અને
પૂનમ બાદ અંબાજીમાં સફાઈ કામગીરીનું વિશેષ આયોજન કરાયું
********
અંબાજી આસપાસનો વિસ્તાર, અંબાજી થી હડાદ અને દાંતા સુધીના માર્ગોની સફાઈ કરી આ વિસ્તાર સુંદર રળીયામણો લાગે તે માટે તંત્રએ સરસ કામગીરી કરી
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતી ભાદરવી પૂનમ સુખરૂપ સંપન્ન થઇ છે. પૂનમ બાદ પણ યાત્રાધામ અંબાજી અને દાંતા- અંબાજી તરફના રસ્તાઓની સાફ-સફાઈની કામગીરી અવિરત ચાલુ છે. ભાદરવી પૂનમ દરમ્યાન બનાસકાંઠા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુચારૂ અને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ હતી. જેના પરિણામે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇભકતોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાથી ભાદરવી પૂનમ દરમ્યાન સફાઈ કામગીરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજીની સફાઈ માટે નિયુક્ત કરવામાં આવેલ એજન્સી દ્વારા નિયમિત સફાઈ માટે ૧૪૮ સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે. ભાદરવી પૂનમ માટે વધારાના ૪૫૦ સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે. આધુનિક મશીનરીનો ઉપયોગ કરી ૫૯૮ સફાઈ કામદારો દ્વારા સમગ્ર ભાદરવી પૂનમ દરમ્યાન સતત સફાઈ કામગીરી કરીને અંબાજીને સ્વચ્છ અને સાફ-સુથરું રાખવામાં આવ્યું છે. ભાદરવી પૂનમ પૂર્ણ થયા બાદ પણ બે દિવસ સુધી વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવી સમગ્ર અંબાજી, અંબાજી આસપાસનો સમગ્ર વિસ્તાર અને અંબાજી થી હડાદ, અંબાજી થી દાંતા સુધીના માર્ગોની સફાઈ કરી અંબાજી અને આજુબાજુનો વિસ્તાર સુંદર રળીયામણો લાગે તે માટે વહીવટી તંત્રએ ખુબ સરસ કામગીરી કરી સફાઇની કામગીરી પૂર્ણ કરી છે.
યાત્રાધામ અંબાજીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સફાઈના કુલ- ૭ રૂટ નક્કી કરી દરેક રૂટ ઉપર સફાઈ સુપરવાઈઝર નિયુક્ત કરવામાં આવ્યા હતાં. રૂટ નં. ૧ સમગ્ર મંદિર ચાચર ચોક, પોડીયમ ગેટ, શકિતધ્વારથી પિત્તળ ગેટ ફલાય ઓવરબ્રીજની બંને બાજુ શોપીંગની ગેલેરી, શકિતદ્વાર થી સર્વે નં. ૯૦ બસ સ્ટેન્ડ સુધી, રૂટ નં. ર ડી. કે. ત્રિવેદી સર્કલ થી જુનાનાકા થઈ આર.ટી.ઓ. કચેરી સુધીના સમગ્ર રોડની બંને સાઈડના વિસ્તારની ગબ્બર તળેટી સુધી, રૂટ નં. ૩ ગેટ નં. ૭ થી લઈ ડી. કે. ત્રિવેદી સર્કલ સુધી રોડની બંને સાઈડ, જુની સાગર ફેકટરી થી લઈ ગેટ નં. ૭ થઈ ખોડીયાર ચોક, જુના ભોજનાલય સહિત, રૂટ નં. ૪ જુનાનાકા થી વી.આઈ.પી. રોડ માન સરોવર થઈને કૈલાશ ટેકરી ઢાળ સુધી. રૂટ નં. ૫ ગબ્બર ટોચ, ગબ્બર તળેટી, ગબ્બર (આબુ રોડ) સર્કલ થી ગબ્બર રોડની બંને સાઈડ, રૂટ નં. ૬ ડી. કે. ત્રિવેદી સર્કલ થી મયુરદ્વાર (હિંમતનગર રોડ) સુધી રોડની બંને સાઈડ, રૂટ નં. ૭ ડી. કે. ત્રિવેદી સર્કલ થી સિહંદ્વાર સુધી (દાંતા રોડ) બંને સાઈડ સુધી સમગ્ર સફાઈની કામગીરીના સુપરવીઝન માટે દેવસ્થાન ટ્રસ્ટના બે પ્રોફેસર કક્ષાના તેમજ તેમની સાથે કુલ–૨૮ કર્મચારીઓની નિમણુંક પણ કરવામાં આવી હતી.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી થી દાંતા તેમજ અંબાજી થી હડાદ સુધીના માર્ગો ઉપર દર ૫ કિ.મી. ના અંતરે ૧-ટ્રેકટર અને પ મજુર સાથે રોડની બંને સાઈડ ઉપર સફાઈ માટે અવિરત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સ્વચ્છતા સમિતિની રચના કરી કુલ ૮ ટ્રેક્ટર સફાઇની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતાં. આ સમિતિમાં બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) તેમજ તેમની સાથે ડીસા અને દિયોદર તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. સમગ્ર અંબાજી ગામ, ગબ્બરનો તમામ વિસ્તાર તથા દાંતા થી અંબાજી તેમજ હડાદથી અંબાજી સુધીના માર્ગોની સફાઈનું સુપરવીઝન આ સમિતિ દ્વારા કરાયું હતું. અને અંબાજીમાં સરસ સ્વચ્છતા જાળવવામાં આવી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
પ્રહલાદ પૂજારી અંબાજી