લોખંડી પુરૂષ સરદાર સાહેબની જન્મજયંતિ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગબ્બર ૫૧ શક્તિપીઠ ખાતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો
*********
ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા યોજવાનું આયોજન છેઃ કલેકટરશ્રી આનંદ પટેલ
અમિત પટેલ
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તા. ૩૧ ઓકટોબર, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે ત્રિવેણી સંગમ સર્જાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી અંબાજી ગબ્બર તળેટીમાં નિર્માણ પામેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ, કોમર્સ અને બી.સી.એ. કોલેજના ૭૫ વિધાર્થીઓ એકતા દોડમાં જોડાયા હતા. આ રન ફોર યુનિટીને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી એસ.જે.ચાવાડા અને કોલેજના આચાર્યશ્રીઓએ માતાજીની ધજા વડે એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં એકથી ત્રણ નંબર મેળવનાર દોડવીરોનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલના હસ્તે અનુક્રમે રૂ. ૨૧,૦૦૦/- રૂ. ૧૧૦૦૦/- અને રૂ. ૫,૧૦૦/- ના ઈનામના ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે રન ફોર યુનિટીમાં ભાગ લેનાર કોલેજના યુવાનોને સંબોધતા જણાવ્યું કે, આપણે સ્વતંત્રતાના ૭૫માં વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારા તમામ નામી-અનામી શહીદ વીરોને વંદન કરી શ્રધ્ધાજંલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા બાદ ભારતને આઝાદી મળી ત્યારે આખો દેશ વિવિધ રજવાડાઓમાં વેરાયેલો હતો તેને એક ભારત કરવાનું કામ આપણાં ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કર્યું હતું. તેવી જ રીતે દેશ અને વિદેશમાં આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ પણ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ગબ્બર ખાતે કરાવ્યું હતું. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બંગલાદેશ, નેપાળ વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવ્યું હતું. મનુષ્યના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નહોતું, તેથી મૂળ સ્થાનક જેવા જ ૫૧ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. કલેકટરશ્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા યોજવાનું અંબાજી મંદિર ટ્રસ્ટનુ આયોજન છે. જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તો એક જ જન્મમાં ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઈ શકશે. તેમણે એકતા દોડમાં જોડાનાર યુવાનોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, આ વિસ્તારના યુવાનો આર્મીમાં જોડાઈને દેશસેવા કરી શકે તેવી ફિટનેશવાળા છે. તેમના માટે સમયાંતર આવી સ્પર્ધાઓ યોજવા તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત સિનિયર સીટીઝનો માટે પણ સ્પર્ધાનું આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી એસ.જે.ચવાડાએ જણાવ્યું કે, આજે સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પ્રથમવાર ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂજ્ય સરદાર સાહેબે દેશના જુદા જુદા રજવાડાઓને એક કરી એક ભારતનું નિર્માણ કર્યું છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે રન ફોર યુનિટીમા જોડાનારને યુવાનોને અભિનદન અને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાયન્સ અને કોમર્સ કોલેજના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ, આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી શંકરભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ગીરીશભાઈ પટેલ સહિત કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.