Breaking NewsLatest

અમદાવાદની સિવિલમાં : ૧ વર્ષ અને ૨૫ અંગદાન. જામનગરના કૌશિકભાઇએ બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કરીને પિતાની યાદોને ચિરસ્મરણીય બનાવી

અમદાવાદ: ભારતીય સંસ્કૃતિમા દાનનો મહિમાં અનેરો રહ્યો છે. પૌરાણિક કાળમાં વિવિધ દાનવીરો, ભામાષાઓ દ્વારા તન, મન અને ધનથી દાન કરવામાં આવતું. ઇતિહાસના પન્ના પલટાવીને જોઇએ તો દાદા મેકરણ, ચીનુભાઇ બેરોનેટ કે પછી વિનોબા ભાવે દ્વારા કરવામાં આવેલા દાન અથવા દાનની ચળવળે તેમને ઇતિહાસના પાનામાં અમર બનાવી દીધા છે.

આપણા ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પણ દાન સાથે જોડાયેલા છે. ધર્મ દાનનો મહિમા સમજાવે જ્યારે સમાજ સુપાત્ર એટલે કે યોગ્ય વ્યક્તિને દાન કરવાનું અને સંસ્કૃતિ દાન આપતા શીખવાડે છે. સંપત્તિના દાન, કોઇ વસ્તુના દાન કરતા પણ પ્રવર્તમાન સમયમાં અંગદાનનું મહત્વ વધુ પ્રસ્તુત છે. છેલ્લા ઘણાંય વર્ષોથી શરીરમાં રહેલા કોઇક અંગની ક્ષતિથી પીડાતા વ્યક્તિને અંગોના દાન થકી ઉગારવા તેનાથી પૂણ્યનું કામ વળી બીજું કોઇ હોઇ શકે ખરુ ??

જામનગરના ૪૪ વર્ષીય હિતેશભાઇ દાવડાના પરિવારજનોએ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હિતેશભાઇ દાવડાના અંગોનું દાન કરી અન્યોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. અંગદાનની વિગત જોઇએ તો, જામનગરના ૪૪ વર્ષીય હિતેશભાઇ દાવડા સતત ૩ દિવસથી માથામાં અતિગંભીર દુ:ખાવાની તકલીફથી પીડાઇ રહ્યા હતા. ૬ ડ઼િસેમ્બરના રોજ ઘરમાં એકાએક ઢળી પડતા જામનગરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. ત્યાંના તબીબોને પરિસ્થિતિ અતિગંભીર જણાતા હિતેશભાઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા જણાવવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે ૨૦ મી ડિસેમ્બરના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા.

હિતેશભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા SOTTOની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા. પરિવારજનોએ પણ અંગદાનની સંમતિ આપતા બ્રેઇનડેડ હિતેશભાઇના એપ્નીયા ટેસ્ટ કરવામાં આવ્યા. જે જરૂરી માપદંડો પ્રમાણે બંધબેસતા ૨૨ મી ડિસેમ્બરે તેમના અંગોના દાન સ્વીકારવામાં આવ્યા.

હિતેશભાઇના અંગોના દાન માટે ફેફસાની જોડમાંથી એક ફેફસું મળ્યુ. જેને પ્લાસ્ટીક સર્જરી વિભાગની ટીમ અને અંગોના રીટ્રાઇવલની ટીમ દ્વારા ભારે જહેમત ઉપાડી સફળતાપૂર્વક રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે દિલ્હી મોકલવામાં આવ્યું. જ્યારે તેમની બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા. આમ, હિતેશભાઇના અંગોથી અન્યોના જીવનમાં ઉજાસ પથરાયો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ And Tissue Transplant Organisation)ની ટીમે રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના એક વર્ષમાં અંગદાનની જનજાગૃતિ સાથે કામગીરીને ઉચ્ચ સ્તરે લઇ જઇ તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં કુલ ૨૫ વ્યક્તિઓના અંગદાનથી મળેલા ૮૬ અંગો થકી ૭૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આ તમામ જરૂરિયાતમંદ વ્યક્તિઓ લાંબા સમયથી શારિરીક પીડામાંથી પસાર થઇ રહ્યા હતા. ઘણાં દર્દીઓ એવા હતા કે દિવસના ૨૪ કલાક માંથી ૮ થી ૧૦ કલાક હોસ્પિટલમાં પસાર કરીને કિડની અને લીવર તેમજ હ્યદયની સારવાર કરાવતા હતા.જેમને સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાન થકી મળેલા અંગોથી દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો છે.

સિવિલ હોસ્પિટલમાં મળેલા અંગોના દાનની વિગતો જોઇએ તો અત્યાર સુધીમાં ૨૫ વ્યક્તિઓના અંગોમાં ૨૩ લીવર, ૪૧ કિડની, ૫ સ્વાદુપિંડ, ૫ હ્યદય, ૨ હાથ અને ૫ જોડ ફેફસાના અંગોનું દાન મળ્યું છે. તેની સાથો સાથ ૪૦ આંખોનું પણ દાન મેળવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ થયેલ અંગદાન દર્શાવે છે કે શહેર અને રાજ્યમાં અંગદાનની ચળવળ વેગવંતી બની છે. લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધી રહી છે. આજે સૌના સહિયારા પ્રયાસે લોકો એકબીજાને મદદ માટે વ્હારે આવી રહ્યા છે. અંગદાન જેવું પવિત્ર દાન થકી જ વ્યક્તિ અમરત્વને પામે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *