ભાવનગર
નૃત્યકાર શ્રી બીરજુ મહારાજનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે તેને શ્રદ્ધાંજલિ આપતાં પૂજ્ય મોરારીબાપુએ કહ્યું કે જેને આપણે સૌ કથ્થકનૃત્યના પર્યાય ગણીએ છીએ તેવાં પદ્મવિભૂષણથી વિભુષિત શ્રી.પંડિત બિરજુ મહારાજની વિદાયના સમાચાર મળ્યા.એમની સાથે બહુ જુનો નાતો રહ્યો છે. શ્રી ચિત્રકૂટ ધામમાં હનુમંત મહોત્સવમાં તલગાજરડા ખાતે પોતાની કલા પ્રસ્તુતિ માટે જ્યારે પણ વિનંતી કરવામાં આવી ત્યારે તેઓ હંમેશા ઉપસ્થિત રહ્યાં છે. તેમની સાદગી અને સાલસતા પણ એવાં જ ! તેમની સાથે તલગાજરડાનો વિશેષ સંબંધ રહ્યો છે. નૃત્ય ઉપરાંત ગાયન અને વાદન સાથે પણ તેઓ જોડાયેલાં હતાં.
બાપુએ ઉમેર્યું કે આવી મહાન વ્યક્તિની વિદાયના સમાચાર મળ્યાં છે ત્યારે એમની ચેતનાને પ્રણામ કરું છું અને એમના નિર્વાણ માટે પ્રાર્થના કરું છું. એમનો અંગત પરિવાર અને બહોળા શિષ્ય પરિવાર તરફ મારી દિલસોજી તેમજ સંવેદના વ્યક્ત કરું છું