——–
રાજ્યના પોલીસ બેડાના આશાસ્પદ પોલીસ કર્મીઓના આશ્રિત પરિવારજનોને તમામ મદદ – સહાય કરાશે- શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
——–
રાજ્ય સરકારના સહયોગથી દિવંગત પોલીસ કર્મીઓના બાળકોની કે.જી.થી લઈ પી.જી. સુધીની શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી
——–
ભાવનગર પોલીસ કર્મીઓના એક દિવસનો પગાર દિવંગત પોલીસ કર્મીઓના પરિવારજનોને આપવામાં આવશે-રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ
———–
તાજેતરમાં ઘરફોડ ચોરીની તપાસ અર્થે દિલ્હીથી આરોપીને લઇને ભાવનગર આવી રહેલાં ભાવનગર પોલીસના ૪ પોલીસ કર્મીઓને જયપુર પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો.જેમાં તેઓના આકસ્મિક મૃત્યુ થયાં હતાં.
આ ચારેય પોલીસ કર્મીઓ દિવંગત સર્વ શ્રી ભીખુભાઈ બુકેરા, ઇરફાનભાઇ આગવાન, શક્તિભાઈ ગોહિલ અને મનસુખભાઈના વિદ્યાનગર, ચિત્રા અને હાદાનગર ખાતે આવેલા નિવાસસ્થાને જઈને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ વિપતની આ ઘડીમાં તેમના પરિવારજનોને મળીને મુખ્યમંત્રીશ્રીનો શોક સંદેશો પાઠવી દિલાસો અને સાંત્વના પાઠવી હતી.
શિક્ષણ મંત્રીશ્રીએ દિવંગતોના પરિવારજનોને સાંત્વના પાઠવતાં જણાવ્યું કે, મુશ્કેલીના આ સમયમાં રાજ્ય સરકાર તમારી સાથે છે. સમગ્ર પોલીસ તંત્ર દ્વારા પણ શક્ય તે તમામ મદદ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, અમારી સરકાર સંવેદનશીલ છે અને રાજ્યમાં પ્રથમ વખત આ રીતે અકસ્માતને ભેટેલા પોલીસ કર્મીઓના મૃતદેહ ઝડપથી તેમના પરિવારને મળે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ વિમાનની વ્યવસ્થા કરીને રૂ.૨૨ લાખનો ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ભોગવવાની જાહેરાત કરી હતી. તદુપરાંત મુખ્યમંત્રીશ્રીએ દિવંગત પોલીસ તંત્રના જવાનોને રૂ. ૪ લાખની મદદની પણ જાહેરાત કરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેટલાક સંજોગો આપણાં હાથમાં હોતા નથી પરંતુ એક પરિવાર તરીકે આપણે તેમને જરૂરી મદદ- સહાય ચોક્કસ કરી શકીએ છીએ.
રાજ્યના પોલીસ વડાશ્રી આશિષ ભાટિયાએ પણ પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ. ૧૦ લાખની પ્રત્યેક કર્મીઓને સહાયની જાહેરાત કરેલી છે. આ રીતે ભાવનગર અને ગુજરાતમાંથી એક સંવેદનાનો સંદેશો સમગ્ર દેશમાં જશે.
દિવંગત પોલીસ કર્મીઓ નાની ઉંમરના છે. તેમના બાળકો પણ ખૂબ નાની ઉંમરના છે.આ નાની ઉંમરમાં સ્વજન ગુમાવવો તે પીડાજનક હોય છે, ત્યારે તેમના સંતાનોને ભણાવવાની જવાબદારી જ્ઞાનમંજરી સ્કૂલના મનસુખભાઈએ રાજ્ય સરકારની લાગણી સમજીને ઉપાડી છે.આથી આ પરિવારને બાળકોને ભણાવવાની ચિંતામાંથી પણ મુક્તિ મળશે.
રાજ્ય સરકાર માનવીય અભિગમથી આ પરિવારોની સાથે રહી છે અને દેવંગત આત્માને શાંતિ મળે અને વિપતની આ ઘડીમાં તેમણે દુઃખ સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપે તે માટે પણ શિક્ષણ મંત્રીએ પ્રાર્થના કરી હતી.
ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવે આ પ્રસંગે ભાવનગર જિલ્લાના પોલીસ કર્મીઓનો એક દિવસનો પગાર દિવંગત પોલીસ કર્મીઓના પરિવારજનોને આપવાની જાહેરાત કરી હતી. આ એક દિવસનો પગાર આશરે ૮ થી ૧૦ લાખ રૂપિયા જેટલો થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી સંઘવીના નેતૃત્વમાં સમગ્ર પોલીસ બેડો મુશ્કેલીના સમયમાં તેમના પરિવારજનોની સાથે છે. તેમના બાળકો માટે અભ્યાસની પણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત તેઓને જે પણ જરૂરિયાત હશે. જે મદદની જરૂર હશે. તે તમામ સહાય-મદદ કરવા માટે પોલીસ પરિવાર તેમની પડખે સંવેદનશીલતાથી રહેશે.
પોલીસ કર્મીઓના પરિવારજનોને દિલાસો અને સાંત્વના પાઠવવા માટે ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, શહેર ભા.જ.પા. પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા, એ.એસ.પી.શ્રી સફીન હસન તથા અગ્રણીઓ પણ જોડાયાં હતાં.