Breaking NewsLatest

ગાંધીનગર ખાતે મળેલી સર્વોચ્ચ સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને સંરક્ષણ રાજ્યમંત્રીએ ડિફેન્સ એક્સપો-2022ની તૈયારીઓની કરી સમીક્ષા

 

ગાંધીનગર: ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટની સહ અધ્યક્ષતામાં 22 ફેબ્રુઆરી 2022ના રોજ ગાંધીનગર ખાતે DefExpo 2022 માટે સર્વોચ્ચ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. DefExpo 2022 એ ભૂમિ, સમુદ્રી અને ગૃહભૂમિ સુરક્ષા સિસ્ટમનું એશિયાનું સૌથી મોટું પ્રદર્શન છે જેમાં ભારતની સંરક્ષણ વિનિર્માણ ક્ષમતાઓ બતાવવામાં આવશે અને તેમાં દુનિયાભરની ટોચની સંરક્ષણ વિનિર્માણ કંપનીઓ પણ સામેલ થશે. આ એક્સપોનું આ 12મું સંસ્કરણ છે જે અત્યાર સુધીમાં યોજનારું સૌથી મોટું આયોજન છે. ગુજરાતના ગાંધીનગર ખાતે 10-14 માર્ચ 2022 દરમિયાન આ આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમ માટે આયોજન અને વ્યવસ્થાઓની સમીક્ષા કરતા સંરક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ આધારિત ઉદ્યોગો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં આવેલા આવા ઉદ્યોગોને આ DefExpoના કારણે રોકાણ માટેની ખૂબ જ સારી તકો પ્રાપ્ત થશે. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, સરકાર સંરક્ષણ વિનિર્માણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ માટે ખૂબ જ ઉત્સુક હોવાથી આ એક્સપોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સહભાગીતા જોવા મળશે. ભારત સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને હવે તે ચોખ્ખા સંરક્ષણ નિકાસકાર તરીકે ઓળખ મેળવવાની દિશામાં પણ જઇ રહ્યું છે. મંત્રીશ્રીએ DefExpo- 2022નું આયોજન ખૂબ જ સુગમતા સાથે થઇ શકે તે માટે ગુજરાતની રાજ્ય સરકાર સાથે સહયોગમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.

આ મેગા ઇવેન્ટ મુખ્ય વિદેશી અસલ ઉપકરણ ઉત્પાદકો (OEM) ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરવામાં આવેલી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે. સંરક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય (MoD)ના નેજા હેઠળ યોજવામાં આવનારું આ પ્રીમિયર સંરક્ષણ પ્રદર્શન એટલે કે DefExpo 2022 નું 12મું સંસ્કરણ, ઘણા પરિબળોમાં ભવ્ય રહેશે કારણ કે તેનું આયોજન પ્રગતિશીલ ભારતની આઝાદીની 75 વર્ષની ઉજવણી નિમિત્તે હાલમાં ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુરૂપ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની થીમ ‘પાથ ટુ પ્રાઇડ’ રાખવામાં આવી છે જે ભારતના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસને પ્રદર્શિત કરશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ મેગા કાર્યક્રમનું આયોજન કરવાની તક પૂરી પાડવા બદલ આદરણીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ‘આત્મનિર્ભર ભારત’ની કલ્પના સાકાર કરવા માટે પ્રધાનમંત્રીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાતમાં DefExpo 2022ની યજમાનીને ગર્વની બાબત ગણાવી હતી અને તેમને ખાતરી પૂરી પાડી હતી કે તેમની સરકાર આ કાર્યક્રમના સફળતાપૂર્ણ આયોજન અને તેને ભવ્ય સફળતા અપાવવા માટે સંરક્ષણ મંત્રાલયને પોતાની સંપૂર્ણ સહાયતા પ્રદાન કરશે.

બેઠક દરમિયાન ગુજરાતના મુખ્યસચિવ શ્રી પંકજ કુમારે ગુજરાત સરકારની વિવિધ પહેલો અંગે સંક્ષિપ્ત માહિતી પૂરી પાડી હતી. સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, તમામ સૈન્ય સશસ્ત્ર દળો જેવા કે ભારતીય સૈન્ય દળ, ભારતીય હવાઇ દળ, ભારતીય નૌસેના, તટીય સંરક્ષણ દળના ટોચના અધિકારીઓ અને CISF, CRFP, NDRF, NSG, BSF અને કાર્યક્રમની નોડલ સંસ્થા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)માંથી અર્ધલશ્કરી દળના અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

63 દેશોમાંથી 121 વિદેશી પ્રદર્શનકર્તા સહિત 973 પ્રદર્શનકર્તાઓએ પહેલેથી જ નોંધણી કરાવી લીધી છે અને કોવિડ નિયંત્રણોમાં છૂટછાટ સાથે આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની પૂરી સંભાવના છે.

DefExpo-2022માં ભૌતિક અને વર્ચ્યુઅલ બંને ક્ષેત્રોમાં સ્ટોલ યોજાવાના હોવાથી તે હાઇબ્રિડ પ્રદર્શન તરીકે યોજાશે. આના કારણે પ્રદર્શકો ભૌતિક અને વર્ચ્યુઅલ એમ બંને પ્રકારે સહભાગીઓને સેવા પૂરી પાડી શકશે જેથી તેમની સાથે વધુ સારું જોડાણ સ્થાપિત થઇ શકે. આ મેગા એક્ઝિબિશનનું આયોજન ત્રણ સ્થળોએ કરવામાં આવી રહ્યું છે, જેમાં – હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર (HEC) ખાતે પ્રદર્શન યોજાશે; મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર (MMCEC) ખાતે વિવિધ ઇવેન્ટ્સ અને સેમીનાર યોજાશે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ પ્રદર્શન યોજવામાં આવશે. કાર્યક્રમના સ્થળોએ આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સલામતીને લગતા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *