કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ડભોઈ તાલુકા ના કુબેર ભંડારી કરનાળી મુકામે બટુકો ને જનોઈ આપવાનો કાર્યક્રમ મંદિર ના પ્રાગણ મા યોજાઈ ગયો હતો. શિવકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ અને કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ના ઉપક્રમે યજ્ઞોપવિત નુ નિશુલ્ક આયોજન કરવામા આવ્યુ હતુ કુબેર ભંડારી કરનાળી ના વ્યવસ્થાપક પરમ પૂજ્ય શ્રી રજનીભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ યજ્ઞોપવિત સંસ્કાર મા દસ થી વધુ બટુકોએ ઉપનયન સંસ્કાર નુ સિચન કર્યુ હતુ આ પ્રસંગે રજનીભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ કે સોળ સંસ્કાર મા ના એક સંસ્કાર એટલે ઉપનયન સંસ્કાર અર્થાત વ્યક્તિનો પહેલો જન્મ માતાના ઉદરમાંથી થાય છે, જ્યારે યજ્ઞોપવિત ધારણ કરવાથી વ્યક્તિનો બીજો જન્મ થાય છે. માતાના ઉદરમાંથી જે જન્મ થાય છે, ત્યારે જન્મોજન્મના સંસ્કારો શરીર-આત્મા ઉપર હાવી રહેતા હોય છે. જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા એ ખરાબ સંસ્કારોનું માર્જન કરી શુભ સંસ્કારોને સ્થાઇ બનાવાય છે. માટે યજ્ઞોપવિત ધારણ કરનારને દ્વિજ કહેવાય છે.જનોઇ શરીરનું એક અદ્ભુત રક્ષાકવચ છે. જનોઇની રચના પણ અદ્ભુત છે. ત્રણ દોરાથી બનેલી જનોઇનો દરેક દોરો બીજા ત્રણ દોરા દ્વારા બનેલો હોય છે. કુલ નવ દોરામાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે નવ દેવોનું આહ્વાન કરવામાં આવે છે. એ નવ દોરાને વિધિ પૂર્વક ત્રણ દોરામાં ભેગા કરી ત્રણેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું આહ્વાન કરવામાં આવે છે. ભેગા થયેલા ત્રણ દોરાને પોતપોતાના ગૌત્ર, પ્રવર વગેરેની પરંપરાનુસાર એક, ત્રણ કે પાંચ બ્રહ્મગ્રંથી (ગાંઠ) મારવામાં આવે છે. આ રીતે બ્રહ્માંડના સર્વે અધિપતિઓથી રક્ષાયેલી જનોઇ પહેરનાર મલીન તત્ત્વોથી રક્ષાયેલો રહે છે.જનોઇમાં રહેલા નવ દોરા પ્રેમ, માધુર્ય, સરળતા, પવિત્રતા, બ્રહ્મપરાયણતા, ઉદારતા, શિષ્ટાચાર, સત્સંગ, આળસનો ત્યાગ એમ નવ સદ્ગુણ ધારણ કરવાની પણ પ્રેરણા આપે છે. આ ઉપરાંત જનોઇના ત્રણ દોરા સત્વ, રજ, તમ ત્રણ ગુણ; શિયાળો, ઉનાળો, ચોમાસુ એ ત્રણ ઋતુ; બાળ, યૌવન, જરા એ ત્રણ અવસ્થા; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ એ ત્રણ મુખ્ય આશ્રમ; સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ ત્રણ શરીર; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા વગેરે ત્રિગુણાત્મક આ જગતથી પર થઇ ગુણાતીત થવાની પ્રેરણા આપે છે.
યજ્ઞોપવિત ધારણ કર્યા પછી શાસ્ત્રીય વિધિ-વિધાન તથા નિયમોનું અવશ્ય પાલન કરવું જોઇએ. યજ્ઞોપવિતની પૂર્ણરૂપે મર્યાદા જળવાઇ રહે તો એ અવશ્ય આપણી સર્વ પ્રકારે રક્ષા કરે છે.મંદિર સંકુલ ના તમામ કર્મચારીઓ અને શિવકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર આયોજન થયુ હતુ.