સાબરકાંઠાના ૧.૯૨ લાખ બાળકોને પોલીયો રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવાશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત દેશમાંથી પોલીયોના રોગને નાબુદ કરવાનાં સરકારના અભિગમને સાર્થક કરવાના ભાગ રૂપે ચાલુ વર્ષે મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો રાઉન્ડ તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ રવિવારના રોજ સમગ્ર ગુજરાત રાજયની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ હાથ ધરવામાં આવનાર છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ અભિયાનમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષનાં ૧,૯૨,૨૩૧ બાળકોને આવરી લેવામાં આવશે. આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં પોલીયોની રસીથી એક પણ બાળક વંચિત ન રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ ૮૩૩ બુથ, ૧૩ મોબાઈલ ટીમ તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડી વર્કરો તથા અન્ય સ્ટાફ મળી કુલ ૩૫૩૨ ફરજ બજાવશે.તા. ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ત્રણ દિવસીય મેગા પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ દરમિયાન આરોગ્ય કર્મિઓ દ્રારા ઘરે-ઘરે જઈને બાળકોને પોલીઓ રસીના ટીપાં પીવડાવવામાં આવશે.