જામનગર : ગરીબી નિર્મૂલન માધ્યમ સમાન ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ના હાપા ખાતેના જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવાનું કાર્ય ગુજરાત સરકાર સુપેરે નિભાવી રહી છે. ગરીબ કલ્યાણ મેળાએ ગુજરાતના ગરીબોના ઉત્થાન માટેની કેડી કંડારવાનું માધ્યમ બન્યું છે.
ગરીબો-વંચિતો-શોષિતોની સરકારે ચિંતા કરી છે. ૨૦૦૯માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને આત્મનિર્ભર બનાવવા માટેનું પગલું લીધું હતું જેને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વર્ષે એક સાથે ૩૬ ગરીબ કલ્યાણ મેળા યોજી રાજ્યના ગરીબ અને વંચિતોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પારદર્શી લાભ આપવામાં આવી રહ્યો છે. ગરીબોના ઉત્થાન માટે ગરીબ કલ્યાણ મેળો ઉત્તમ માધ્યમ બન્યું છે. સમાજના છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે તેમની આવશ્યકતા મુજબની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરી દરેક લાભાર્થીને સીધી સહાય પહોંચાડવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી જામનગરના લોકોના વિકાસ વિશે આછેરી ઝલક આપી હતી. તો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગરીબ કલ્યાણ મેળાના દરેક વ્યક્તિના ઉત્થાનના આશય વિશે જણાવી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
જામનગર ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં મંત્રીશ્રીના હસ્તે મંચ પરથી ૩૩ લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય વિતરિત કરાઈ હતી. તદુપરાંત ૨૪ સ્ટોલ પરથી ૧૬ વિભાગની વિવિધ યોજનાના ૧૬૭૭ લાભાર્થીઓને આઠ કરોડથી વધુની સહાય તેમજ મેળા દરમ્યાન અને મેળા પહેલા મળી રાજ્ય સરકારની ૨૦થી વધુ વિભાગોની ૧૧૫ જેટલી યોજનાઓના ૪૮૫૯૪ લાભાર્થીઓને ૧૯૭ કરોડથી વધુના લાભો એનાયત કરાયા હતા. આ લાભોમાં વિવિધ સહાયના ચેક, સહાય મંજુરી હુકમો, મફત પ્લોટની સનદ, નિર્ધૂમ ચુલા, ટ્રાઈસિકલ, સાયકલ વગેરે તેમજ કડિયા, કુંભાર વગેરે કામોની કીટ મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને અર્પિત કરાઈ હતી. જેમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અંતર્ગત ડૉ.આંબેડકર આવાસ યોજના, સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના, આંતર જ્ઞાતિય યોજના, બેન્કેબલ યોજના, કુંવરબાઈ મામેરું યોજના અને માનવ ગરીમા યોજનાઓ દ્વારા કુલ-૬૨૩ લાભાર્થીઓને ૬૦.૫૫ લાખ રકમની તથા કુલ-૩૦૦ કિટ્સ સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય, ગ્રામ વિકાસ એજન્સી, મત્સ્યોદ્યોગ, કૃષિ અને પશુપાલન, બાગાયત, પુરવઠા, મહિલા બાળ વિકાસ વગેરે વિભાગો દ્વારા બહોળી સંખ્યામાં લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતા.
આ તકે જિલ્લાના વિવિધ તાલુકાના છ દાતાશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં અંદાજિત ૪ લાખથી વધુનું દાન આપવામાં આવ્યું હતું તેમજ મંત્રીશ્રીના હસ્તે ધ્રોલ યુ.પી.એચ.સી.ને એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઇ હતી.
આ કાર્યક્રમમાં જેકુરબેન સોની કન્યા વિદ્યાલયની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, એપીએમસી ચેરમેન શ્રી પ્રવિણસિંહ ઝાલા, કલેકટર શ્રી સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, કમિશનર શ્રી વિજય ખરાડી, અધિક નિવાસી કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામકશ્રી રાજેન્દ્ર રાયજાદા તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ- અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.