અમદાવાદ; આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન દિવસે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ૦-૫ ની વયના બાળકોને પોલીઓની રસીના બે ટીપા પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
સશક્ત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા બાળકોને પોલીયો વિરોધી રસી આપવી અતિ મહત્વની હોઈ વિસનગર તાલુકાથી રાજ્યના તમામ બાળકોને પોલિયો રસીકરણનો મહત્તમ લાભ અપાવવા દરેક વાલીને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યના ૦-૫ ની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૦૭ પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલ નથી.
પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રાજ્યના બાળકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને સમયાંતરે પલ્સ પોલિયો અભિયાન હાથ ધરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે , ૨૭ મી ફેબ્રુઆરી પલ્સ પોલિયો રવિવારે ગુજરાતમાં ૭૫ લાખ થી વધુ, મહેસાણા જિલ્લામાં ૨.૪૨ લાખ જેટલા અને વિસનગર તાલુકામાં ૩૭ હજારથી વધુ ૦ થી પાંચ વર્ષની ઉંમરના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીનેનું સુરક્ષાકવચ જ આપવામાં આવશે તેમ ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું.