જામનગર: ધોરણ 10 અને 12 એટલે બોર્ડની પરીક્ષા આવે એટલે આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીની કાંઈક અલગ મનોસ્થિતિ જોવા મળતી હોય છે. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અનેક મુંઝવણમાં રહેતા હોય છે અને જ્યારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા સમયે બાળકના મન માં જે ડરની ભાવના દેખાતી હોય તેને દૂર કરવાના પ્રયાસરૂપે જામનગર કોચિંગ કલાસ એસોસિએશન JCCA અને શહેર બીજેપી શિક્ષણ સેલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક મોડેલ ટેસ્ટ પરીક્ષાનું આયોજન જામનગર શહેરની એ કે દોશી મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ધોરણ 10 અને 12 બોર્ડના આશરે 3 હજાર વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા.
બીજી તરફ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 20 વર્ષથી આ મોડેલ ટેસ્ટ પરીક્ષાનું આયોજન કરતા JCCA નો આવા ઉત્તમ આયોજન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ JCCA દ્વારા આવી પરીક્ષા લઈ બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે નિર્ભય બને છે જેથી ડર વગર નિચિંત પપેર લખી શકાય છે અને આવું આયોજન દરેક જગ્યા પર કરવું જોઈએ જેથી કોઈપણ વિદ્યાર્થીમાં બોર્ડની પરીક્ષાનો ભય ન રહે.
રાજ્ય સરકાર દ્વારા જેવી રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે તેવી જ પદ્ધતિથી આબેહૂબ આ મોડેલ ટેસ્ટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડમાં આપવામાં આવતી પરીક્ષા રિશીપટ, પેપર સ્ટાઇલ, વ્યવસ્થા સંચાલન જાણે વિદ્યાર્થી પોતે બોર્ડની પરીક્ષાના વાતાવરણમાં બેસી પરીક્ષા આપી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને હિંમત વધારવા જામનગર શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, શહેર બીજેપી અધ્યક્ષ ડૉ વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર સુભાષ જોશી, મીડિયાના ભાર્ગવ ઠાકર તેમજ JCCAના પ્રમુખ તેમજ શિક્ષણ સેલ ભાજપના સભ્ય એવા નિલેશભાઈ ધ્રુવ સહિત કોચિંગ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ શુભેચ્છાઓ પાઠવી વધાર્યો હતો.