કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વચ્ચે યુક્રેનમાંથી ભારતીયો વતન પરત આવવા માટે ઝઝૂમી રહ્યા છે. યુક્રેનથી બહાર નીકળવા માટે અનેક ભારતીયો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગાંધીનગરના 17 જેટલા વિદ્યાર્થીઓનું લીસ્ટ જિલ્લા તંત્રને અપાયું હતું. તંત્ર દ્વારા તપાસ કરતાં 17 વિદ્યાર્થીઓ અલગ-અલગ દિવસે હેમખેમ ઘરે પહોંચી ગયેલા જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હજુ ઘરે પહોંચ્યા નથી પરંતુ તેઓ યુક્રેનની બહાર નીકળી ગયા છે. જેમાં પેથાપુરની ભાર્ગવી નરેશભાઈ પટેલ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ના જન સંપર્ક કાર્યાલય માં નોકરી છે તેમની (21 વર્ષ) પુત્રી નો સમાવેશ થાય છે
યુક્રેન બોર્ડર ક્રોસ કરીને રોમાનીયા પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પેથાપુર ખાતે રહેતી 24 વર્ષીય યુવતી તથા કોલવડાનો 37 વર્ષીય યુવક પણ યુક્રેન બોર્ડર ક્રોસ કરીને હાલ પોલેન્ડ ખાતે ઈન્ડિયન એમ્બેસી ખાતે પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે યુક્રેનથી ગુજરાત પરત ફરેલાં 104 વિદ્યાર્થીઓનું રાજ્ય સરકાર દ્વારા સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે સહર્ષ સ્વાગત કરાયું હતું.
યુક્રેન બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા પહોંચેલી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા ભાર્ગવીના પિતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,‘મારી દીકરી બહુ હિંમતવાળી છે, અમે ચિંતા ન કરીએ એટલે તે ખુલીને બધી પરિસ્થિતિ અંગે વાત પણ કરતી ન હતી. તેઓ અલગ ફ્લેટમાં રહેતાં હતાં પરંતુ યુદ્ધની સ્થિતિને પગલે પેટ્રો મોહીલા બ્લેક સી નેશનલ યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં બોલાવી લીધા હતા. છેલ્લું અઠવાડિયું તો તેઓ રાત્રે બંકરમાં રહેતાં હતા, અડધી રાત્રે ફાયરિંગ બંધ થાય ત્યારે તેઓ હોસ્ટેલમાં જતાં હતા. 26 ફેબ્રુઆરીએ હોસ્ટેલ નજીક જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તો યુક્રેન આર્મીએ રશિયાના બે ટેંકર ઉડાડ્યા હતા. જે બાદની સ્થિતિ મારી દીકરીએ જોઈ હતી અને મને વીડિયો પણ મોકલ્યો હતો.’
નરેશભાઈએ કહ્યું હતું કે,‘ દીકરી સુરક્ષિત રીતે રોમાનિયા પહોંચી ગઈ છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે ડોમ ટાઈપ સગવડ ઉભી કરીને સારી રીતે રખાયા છે. વિદ્યાર્થીઓને છોડવા જતાં સમયે કોલેજના ડીન, લેક્ટરર સહિતના લોકો ભાવુક થઈને રોવા લાગ્યા હતા. યુનિવર્સિટી અને સ્થાનિક એજન્ટ દ્વારા જ બસ મારફતે 104 વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કઢાયા હતા. યુક્રેનથી માલદોવા જતાં તેઓના ભારે ટ્રાફીક નડ્યો હતો. ડોક્યુમેન્ટ ચેકિંગ સહિતની પ્રક્રિયામાં 14-14 કલાક જેટલું વેઈટિંગ થઈ ગયું છે’