ગુજરાત પ્રણામના તંત્રી ભાવના શાહ ઘરકામ કરતા, સાફ સફાઈ કરતા, શાકભાજી વેંચતા કે મજુરી કરતી નારીઓને ફૂલ આપશે : તમે પણ જોડાશો ને ?
દીવ : આપણા શાસ્ત્રોમાં નારીને ભગવાન પછીનું તરતનું સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ આજે આ સ્થાન ભુલાઈ ગયું છે અને તેને પગની પાની જ ગણવામાં આવી રહી છે. આમ તો મહિલાઓને પુરૂષ સમોવડી ગણવામાં આવે છે પણ એ માત્ર દેખાવ કરવા પુરતી. તેને જોઈએ એટલું સન્માન આપવામાં આવતું નથી. તેમાંયે જો તે આપણા કરતા નાના વર્ગની હોય તો તેને રીતસર ધૂતકારવામાં જ આવે છે. ત્યારે નારીઓના યોગ્ય સન્માન માટે દરવર્ષે 8 માર્ચે ઈન્ટરનેશનલ વુમેન્સ ડે ઉજવવામાં આવે છે. આવતીકાલે આ ખાસ દિવસની ગુજરાત પ્રણામ અનોખી રીતે ઉજવણી કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત પ્રણામના મહિલા તંત્રી ભાવના ધવલ શાહ દ્વારા પોતાની આસપાસ જોવા મળતી દરેક સ્ત્રી કે જેઓ અથાક મહેનત કરી સમાજને પોતાની કાબેલિયતનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહી છે તેવી દરેક નારીનું ગુલાબનું ફૂલ આપી વિશિષ્ટ સન્માન કરશે. એ સ્ત્રી પછી ઘરકામવાળી હોય, ઘરની બહાર મોહલ્લાની સફાઈ કરતી સફાઈકર્મી હોય કે પછી મજુરી કે નોકરી કરતી હોય. તેઓનું સન્માન કરી એક વિશેષ આદર આપવાનો પ્રયાસ કરવામાં આવનાર છે ત્યારે ભાવના શાહે આપ સર્વે તેમના વાંચકગણ અને શુભેચ્છકોને પણ તેમાં જોડાઈ આવી સ્ત્રીઓ કે નારીઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો છે. તો આપ જોડાવ છો ને ?
આ ઉમદા કાર્યમાં જોડાઈને આપનો ફોટો મોકલો અમને, અમે તે ફોટો અમારા અખબાર ગુજરાત પ્રણામમાં કરીશું પ્રસિદ્ધ ( આપના ફોટા આવતીકાલ સાંજે 4 વાગ્યા સુધીમાં આપવાના રહેશે )