ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વુમન સ્ટાર્ટઅપ્સ સ્ટોરીઝ વર્ણવતી કોફી ટેબલ બુકનું વિમોચન પ્રસંગે જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે વુમન સ્ટાર્ટઅપ્સની ૭૫ સાફલ્ય ગાથાઓ રાજ્યની મહિલા શક્તિને ઉજાગર કરશે.
I-Hub અને SSIP અંતર્ગત તૈયાર કરાયેલી કોફી ટેબલ બુક “75 સ્ટોરિઝ ઓફ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન”નું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ગુજરાતની મહિલા શક્તિના બળે રાજ્યના સ્ટાર્ટ અપ અને ઇનોવેશન ક્ષેત્રને વધુ ઉન્નત બનાવવાના પ્રખર હિમાયતી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીએ તેમના નિવાસ્થાને રાજ્યના યુવા સ્ટાર્ટ અપ સંચાલકોને આમંત્રિત કરી તેમની સાથે વન-ટુ-વન સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઇનોવેશનના ૧૨ ક્ષેત્રો તેમજ રાજ્યની યુનિવર્સિટીઓ અને ઈન્ક્યુબેટર્સમાં યોગદાન આપનારી ૭૫ મહિલા સાહસિકોના સ્ટાર્ટ-અપ્સને વર્ણવતી કોફી ટેબલ બુકનું સંકલન શિક્ષણ વિભાગે કર્યું છે.
ગુજરાતની મહિલાઓ સ્ટાર્ટ-અપ્સ કરવા પ્રેરાય તે માટે રાજ્ય સરકારે SSIP અને i-Hub અંતર્ગત WE-Start, Women Start-up Demo day, WE-engage જેવા ફ્લેગશિપ પ્રોગ્રામ અમલી બનાવ્યા છે.
આ કોફી ટેબલ બુક ઉદ્યોગસાહસિક યુવા મહિલાઓના વિચારો અને ક્ષમતાઓ જનતા સમક્ષ પ્રસ્તુત કરશે જે આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના મિશનમાં યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો.
કોફી ટેબલ બુકના વિમોચન પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર ઉપસ્થિત રહ્યા હતા.
……