વલ્લભીપુર ધર્મશાળાની જગ્યામાં કોંગી આગેવાને કરેલી પેશકદમીની માહિતી ન આપતા ફટકારાયો દંડ
આ અગાઉ પણ સ્ટ્રીટ લાઇટની માહિતી છુપાવવા સબબ 10 હજારનો ફટકારાયો હતો દંડ
વલ્લભીપુર તા.૧૬
વલ્લભીપુર પાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલારીયાને માહિતી આયોગે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી અરજદારને ન આપતા અને માહિતી અયોગે પૂછેલા ખુલાસાનો પણ જવાબ ન આપતા ઝાલારીયાને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નિયત સમયમાં દંડની રકમ જમા ન કરાવે તો તેના પગારમાંથી રકમ કાપી લેવાનો માહિતી આયોગે આદેશ કરતા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
બનાવની પ્રાપ્ત વિગતોનુસાર વલ્લભીપુરના આરટીઆઇ એક્ટિવિસ્ટ રાજેશભાઇ બાબુભાઇ વઘાસિયાએ જાહેર માહિતીના અધિકાર હેઠળ વલ્લભીપુર પાલિકા પાસે શહેરમાં આવેલી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઓનપેપર કબ્જામાં રહેલી ધર્મશાળાની જગ્યામાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણીને બાંધકામની પરમિશન કોણે અને કઈ સત્તાની રુએ આપી એ અંગેની માહિતી માંગી હતી. વારંવારના પ્રયાસો બાદ પણ આ માહિતી આપવામાં પાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલરીયાએ ઠાગાઠૈયા કર્યા હતા. કોંગી આગેવાનનો ધર્મશાળાની જગ્યા પર ગેરકાયદે કબ્જો છે જેના અમુક હિસ્સામાં તેઓએ દુકાનો ચણીને ભાડે આપી દીધી છે. જ્યારે ઓન પેપર જગ્યાનો કબ્જો જિલ્લા, તાલુકા પંચાયત પાસે હોય વલ્લભીપુર પાલિકાએ આપેલી બાંધકામની મંજૂરી બિલકુલ ગેરકાયદે છે.
આ બાબત જાણતા હોવાથી ચીફ ઓફિસરે આરટીઆઇ હેઠળ માહિતી આપવાનું ટલ્લે ચડાવ્યું હતું. માહિતી આયોગે આ બાબતની નોંધ લઈ અગાઉ પણ ચીફ ઓફિસરે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અને ત્યારે 10 હજારનો દંડ ફટકાર્યો હોવાનું ધ્યાને લેતા આ પ્રકરણમાં પણ 15 હજારનો દંડ ફટકાર્યો છે. આધારભૂત સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર વિવાદિત ચીફ ઓફિસર ઝાલારીયાની લીંબડી ખાતે બદલી કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર પ્રકરણને લઈને સ્થાનિક કક્ષાએ ભારે ચર્ચા જાગી છે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર