કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જીલ્લામાં ટપાલ વિભાગ ધ્વારા તા. ૨૩-૦૫-૨૦૨૨ થી સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવા માટે એક ખાસ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના ૫૮૦ ડાકઘર ના કર્મચારીઓ ધ્વારા જે બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતા ખોલવાના બાકી રહી ગયેલ હોય એવી બાળકીઓના ખાતા ખોલવા પર ભાર મૂકવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૧૦ વર્ષ સુધીની બાળકીનું ૨૫૦ રૂપિયાથી ખાતું ખોલી શકાશે. વર્ષમાં વધુમાં વધુ રૂપિયા ૧,૫૦,૦૦૦/- સુધીની રકમ જમા કરાવી શકાશે.ખાતું ખોલવાની તારીખથી ૧૫ વર્ષ સુધી રકમ જમા કરી શકાય તથા હાલના ૭.૬૦ % લેખે વાર્ષિક વ્યાજ મળવાપાત્ર છે. અધિક્ષક ડાકઘર, સાબરકાંઠા વિભાગ ધ્વારા અત્યાર સુધી ૪૦,૩૨૦ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવામા આવ્યા છે અને સપ્ટેમ્બર – ૨૦૨૨ સુધીમાં બીજા નવા ૧૦,૦૦૦ ખાતા ખોલવાનો અને ૫૦૦ ગામમાં ૧૦૦% બાળકીઓના ખાતા ખોલી ૫૦૦ ગામને સંપૂર્ણ સુકન્યા ગામ જાહેર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેથી વધુમાં વધુ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખુલે તે માટે સાબરકાંઠાની કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસનો તાત્કાલિક સંપર્ક કરવો.આ ખાતુ ખોલાવા માટે બાળકીનુ આધારકાર્ડ કે જન્મનો દાખલો એક પાસપોર્ટ સાઇઝ ફોટો, માતા કે પિતાનુ આધારકાર્ડ અને પાનકાર્ડ બે પાસપોર્ટ સાઇઝ ફોટો આપવાના રહેશે. એમ સાબરકાંઠા જિલ્લા અધિક્ષક ડાકઘરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.