રમત-ગમત કૌશલ્યને બહાર લાવવાનું કામ ખેલમહાકુંભ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી સુપેરે ખિલી રહ્યું છે. – સાંસદશ્રી દિપસિંહ રાઠોડ
ખેલ મહાકુંભ દ્વારા સરિતા ગાયકવાડ જેવી પ્રતિભાઓ વીરલ વ્યક્તિત્વ સમાજને પ્રાપ્ત થશે. – જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા
પાંચ રમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે બ્રોઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગરની કચેરી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ મા ખેલમહાકુંભ રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ ઓપન એઇઝ ગૃપ સ્પર્ધા ૨૪ થી ૨૬ મે ૨૦૨૨ ત્રિ- દિવસીય સ્પર્ધા સાબર સ્ટેડીયમ ભોલેશ્વર હિંમતનગરના યજમાન પદે જિલ્લાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં દિપ પ્રાગટ્ય કરી ગઇ કાલે સાંજે ખુલ્લુ મૂકવામાં આવી હતી.રાજ્યભરના જિલ્લામાંથી આવેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષભાઇ કોયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ ,જિલ્લા પોલીસવડા શ્રી વિશાલ વાઘેલા ,સચિવશ્રી આર.ડી ભટ્ટ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડે યુવા પ્રતિભા ખેલાડીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે રમત- ગમત કૌશલ્યને બહાર લાવવામાં તાત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી આજે સુપેરે પ્રતિભાવંત ખેલાડીઓની હારમાળા સર્જીને વિવિધ ક્ષેત્રે યુવાધન ખીલી રહ્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે સાબરકાંઠાની ધરતી સાબર સ્ટેડીયમ પર રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ રહી છે. અને તેનું યજમાન પદ જિલ્લાને સાપડ્યું છે. તે આનંદ અને ગૌરવની વાત છે. આ ધરતી મહારાણા પ્રતાપ ,ઉમાશંકર જોષીની કર્મભૂમિ છે. યુવાનોએ સફળતા મેળવવા કૌશલ્ય ખીલવવા સતત મહેનત કરવી રહી. મને આશા છે કે ચોક્કસ ગોલ સાથે આગળ વધશો તો સફળતા જરૂર મળશે. નિષ્ફળતા મળે તેને નાસીપાસ થવાની જરૂર નથી. વધુ મહેનત કરી સફળતાના શિખરો સર કરવા પડશે. સૌ ખેલાડીઓને સફળતાની શુભકામના પાઠવું છું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓનું દિલથી આવકારી સ્વાગત કરું છું. આ સ્ટેડીયમમાં ત્રિ- દિવસીય રાજ્યકાક્ષાની સ્પર્ધામાં અંદાજે ૪૦૦ જેટલા ખેલાડી બહેનો ભાગ લેનાર છે. અને તેમને પ્રોત્સાહક રોકડ ઇનામો તથા પ્રથમ,દ્વિતીય અને તૃતિય ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવશે. ઉત્તમ કૌવત બતાવવા બદલ મેડલ મળશે પરંતુ ભાગ લેનાર સૌને હું બીરદાવું છું. ખેલ પ્રત્યેની રૂચી કેળવવા બદલ અભિનંદન પાઠવું છું.
૧૨ મી માર્ચ ૨૦૨૨ માં સરદાર પટેલ સ્ટેડીયમ અમદાવાદ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૧ માં ખેલ મહાકુંભની શરૂઆત કરી ત્યારે આ પૈકીના ઘણા ખેલાડીઓ હાજર હશે અને તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે જ્યારે હું CM હતો ત્યારે વાવેલું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. તે જોઇને હું રોમાંચિત થયો છું. તેમનું વિઝન અને દ્રષ્ટિ યુવાધનને બિરદાવવામાં મોટી કામીયાબી હાસલ કરી છે. ખેલ મહાકુંભ દ્વારા સરિતા ગાયકવાડ જેવી પ્રતિભાવંત મહીલા ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યુ છે. તેવા અહીં પણ વિરલ વ્યક્તિત્વ ધરાવતા ખેલાડીઓ હશે. સૌને શુભેચ્છા પાઠવું છું. રમત ગમત ક્ષેત્રે આગળ વધે રાજ્ય અને દેશનું નામ રોશન કરો,હવે સ્પોર્ટ્સ પોલીસી જાહેરાત કરાઇ છે જેમાં યુવાનોની પ્રતિભા ખિલવવામાં સાનુકૂળ વાતાવરણ નિર્માણ થશે. ઠેર ઠેર પ્રશિક્ષણ કેન્દ્રો અને સ્ટેડીયમ ઉભા થશે, સુવિધા સાથે નિષ્ણાંત તજજ્ઞો કોચની વ્યવસ્થા ઘર આંગણે ઉપલબ્ધ થશે. હવે ખેલ પ્રત્યે વાલીઓ અને યુવાનો જાગૃત થયા છે. આગળ વધવા મોટેના અવસરો મળી રહેશે.
આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ અને જિલ્લા પોલીસ વડા શ્રી વાઘેલા દ્વારા પ્રતિભાવંત ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રારંભમાં રાજ્યકક્ષાના ખેલાડીઓ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી પુનમ કુમકીયા દ્વારા સૌનું મનીપ્લાન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમત-ગમત ખેલાડી વિવિધ રમતોના પ્રશિક્ષણ કોચ, વાલીઓ, વિધ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. અંતમાં આભાર દર્શન ડિસ્ટ્રીક્ટ કોચ ખો-ખો દ્વારા કરવામાં આવી હતી.