જામનગર: રાજવી જામસાહેબના આમંત્રણને માન આપી રવિવારે આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગગી વાસુદેવ જામનગર જહાજ દ્વારા બેડી બંદરે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 29 દેશોમાં 30,000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ભારત પરત ફરી રહેલ આધ્યાત્મિક સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના રાજવી જામ સાહેબના આમંત્રણને માન આપી જામનગર પધાર્યા હતા.
મસકદ થી જહાજ માર્ગે તેઓ જામનગરના નવા બેડી બંદરે આવી પહોંચ્યા હતા જ્યાં તેમને આવકારવા રાજવી પરિવાર વતી એકતાબા સોઢા સહિત આગેવાનો, નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો સવારથી જ તૈયારીઓમાં લાગી ગયા હતા. બપોરે આશરે 1 કલાકે તેમનું જહાજ બેડી બંદર પહોંચ્યું હતું જ્યાં જામ સાહેબ દ્વારા ખાસ દુનિયાની એકમાત્ર વિન્ટેજ મારસિડિસ કાર સાથે સ્ટેટ રાજવીની 3 અન્ય વિન્ટેજ કારનો કાફલો તેમના સ્વાગત માટે મુકાયો હતો. કચ્છી ઢોલના તાલ સાથે એકતાબા સોઢા દ્વારા તેમનું જામનગરની ધરા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન પહેલા સૌરાષ્ટ્ર સેવ સોઈના એકતાબા સોઢા દ્વારા તેમના આગમનને લઈ પ્રતિક્રિયાઓ આપી હતી. જામનગરના એક દિવસના ટુંકા રોકાણમાં અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અત્રે યાદ રહે કે
ઇશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ માટી બચાવો અભિયાન હેઠળ લોકોમાં જન જાગૃતિ લાવવા દુનિયાભરમાં મોટર સાયકલ દ્વારા પ્રવાસ કરી રહ્યા છે.
વાલસુરા નવા બંદર ખાતે તેમનું આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ મંત્રી તેમજ હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા-હકુભા, તેમજ શહેર ભાજપ પ્રમુખ ડૉ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, જીતુભાઇ લાલ, મેરામણભાઈ ભાટુ, સહિતઉપસ્થિત રહ્યા હતા અને તેમને આવકાર્યા હતા. આ ઉપરાંત તમામ ધર્મના સાધુ મહાત્માગણ, સંતો સાથે સદગુરુના અનુયાયીઓ, તમામ નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત કરાયું હતું.
જામનગરની ધરા પર પગ મુકતા જ તેમના સમર્થકો કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચિચિયારી અને સેવ સોઈલના નાદ સાથે તેમને અવકારવામાં આવ્યા હતા ત્યારે બાઇક પર બેસતા પહેલા તેમને પોતાની પ્રથમ પ્રતિક્રિયાઓ આપી હતી. જામનગરના ઈતિહાસમાં ત્રિવેણી સંગમ સમાન આ ભવ્ય ઘટના બની છે કે જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા ખાસ વિશ્વના અનેક દેશોમાં માટી બચાવો અભિયાન અંગે જનજાગૃતિ કરી લાખો લોકોને આ અંગે જાગૃત કર્યા બાદ સદગુરુ ભારત પરત ફર્યા છે ત્યારે તેઓની જામનગરની મુલાકાત ભવ્યાતિભવ્ય બની રહે અને લોકોમાં માટી બચાવો પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે ના પ્રયત્નો જામસાહેબશ્રી તેમજ તેમની ટીમના સદસ્યો દ્વારા કરવામાં આવ્યા હતા, સદગુરુ જગ્ગી વાસુદેવને ગુજરાતી ગરિમા અને કાઠીયાવાડી પરંપરા અંગે માહિતગાર કરવા તેમના મોટરસાયકલ રૂટ ઉપર ઠેરઠેર રાસ ગરબા કાઠીયાવાડી તલવાર રાસ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યાત્મમાં ગુરુ સદગુરુ આવનારી પેઢી અને લોકોના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે માટી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે તેમના આ અભિયાનમાં તેમની સાથે સોશિયલ મીડિયા ઉપર દેશ-વિદેશના સેંકડો લોકો જોડાઈ અને તેમના આ અભિયાનને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે.
બપોરે જામનગર પ્રતાપ વિલાસ પેલેસ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પહેલા સદગુરુ અને એકતાબા સોઢા દ્વારા એક પત્રકાર પ્રેસ સંબોધવામાં આવી હતી. જેમાં તેઓએ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ત્યાર બાદ એક બાઇક રેલીનું સદગુરુ દ્વારા આયોજન કરાયું હતું અને માટી બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જામનગરની જનતા સહિત જામનગર રાજવી પરિવાર દ્વારા અપાયેલ નિમંત્રણ મુજબ રાજકોટ, ગોંડલ તેમજ અન્ય સ્ટેટના રાજવી પરિવારો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, શહેરના પદાધિકારીઓ, વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અને સદગુરુ દ્વારા લોકોને સેવ સોઈલ વિશે વિચારો રજૂ કર્યા હતા. જામનગર ના આંગણે ઘણા વર્ષો પછી પેલેસમાં રોશની જોવા મળી હતી અને લોકોએ પણ પેલેસને બહારથી જોવાનો આનંદ માણ્યો હતો. આખા દિવસની સદગુરૂની સફરને જામનગરના રાજવી પરિવાર અને લોકોએ વધુ સફળ બનાવી અનેરો ઉત્સાહ બતાવ્યો હતો.