જામનગર: વર્ષ ૨૦૧૫ થી પ્રતિવર્ષ ૨૧મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૧મી જૂન ૨૦૨૨નાં રોજ “માનવતા માટે યોગ” (YOGA FOR HUMANITY) ની થીમ સાથે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની દેશભરના ઐતિહાસિક ૭૫ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ક્રિકેટ બંગલો ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં આમંત્રિત મહાનુભાવો, અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં જામનગરવાસીઓએ યોગાસન કર્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વિશ્વ સ્તરે ઓળખ મળી છે. અને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે રાજ્યભરમાં ૭૫ ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે. આપણે સૌએ દિનચર્યાની શરૂઆત યોગથી જ કરવી જોઈએ. કારણકે પહેલું સુખ તે જાતે નર્યા. યોગ સૌ ભારતીયોને સાથે જોડતી પ્રાચીન પરંપરા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ એવું યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જામનગરવાસીઓએ યોગ કર્યા હતા અને વાતાવરણમાં તાજગી પ્રસરી હતી. બાદમાં સૌએ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયુ હતું. જીલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, શાળા, કોલેજો, બાગ – બગીચાઓ તેમજ સરકારી કચેરીઓ અને સ્થાનિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના અંદાજે ૪લાખ જેટલા લોકોએ સહભાગી બની યોગ કર્યા હતા.
જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કલેકટરશ્રી ડૉ. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, શહેર પ્રાંત અધિકારી શ્રી આસ્થાબેન ડાંગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા, યોગ બોર્ડના કોચ શ્રી પ્રીતિબેન શુક્લ, શ્રી બ્રિંજલ ડેર, શ્રી અનિરુદ્ધ સોઢા, એજ્યુકેશન ઇન્સ્પેકટર શ્રી મધુબેન ભટ્ટ, શ્રી સી.એમ.મહેતા, શ્રી મધુસૂદન વ્યાસ તેમજ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી યોગાસન કર્યા હતાં.