૧૦૮ બહેનોએ ૧૦૮ સૂર્યનમસ્કાર કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યાદગાર બનાવ્યો
——–
સૌરાષ્ટ્ર એટલે સંત શૂરવીર અને સાવજની ધરતી. પાલિતાણા પંથકનાં પ્રસિધ્ધ સંત હરિરામબાપા ગોદડીયાનાં ભક્તો દ્વારા ભારતીય સ્વતંત્રતાના ઉષાકાળે પાલિતાણામાં સ્થાપિત શ્રીહરિરામબાપા ગોદડીયા આશ્રમના પાવન પ્રાકૃતિક અને વિશાળ આંગણમાં ૧૦૮ બહેનો ૧૦૮ સૂર્યનમસ્કાર સમૂહમાં કરી આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ‘માતૃશક્તિ સૂર્યવંદના’ ના આ અનોખા કાર્યકમનું આયોજન વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીની પાલિતાણા શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે કેન્દ્રના યોગ તજજ્ઞ દ્વારા સાપ્તાહિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત બે મહિલા શિક્ષણ સંસ્થા શ્રીમતી પી.એન.આર. શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીમતી એમ. એમ. કન્યાવિદ્યાલયની વિદ્યાર્થીનીઓ આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઇ હતી.
પ.પૂ. આત્મદર્શનાશ્રીજીએ આશીર્વચન આપતાં જીવનમાં સત્યપથ પર ચાલવાં અને માતા- પિતા તથા ગુરુનો આદર હંમેશા કરવાં શીખ આપી હતી. કેન્દ્રના જીવનવ્રતી શ્વેતાદીદીએ તપ થી પ્રાપ્ત સાત્વિક ઉર્જાને સદ્કાર્યોમાં નિરંતરતાપૂર્વક સંગઠીત સ્વરૂપે વાપરી જીવનને સાર્થક કરવાનું આહ્વાન કર્યું હતું.
પાલિતાણાના નગરપાલિકાના પ્રમુખશ્રી શીલાબહેન શેઠ અને સામાજીક આગેવાનશ્રી નાનુભાઇ ડાંખરા સહિત ગણમાન્ય નગરજનો આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં..
——-
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર