દીવેટ જેમ પ્રગટીને પ્રકાશ આપે છે તેમ આ તાલીમથી તાલીમાર્થીઓના જીવનમાં આર્થિક ઉજાશ પથરાશે
ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા સંસ્થા દ્વારા સાબુ બનાવવાની તાલીમ અને દિવેટ મેકિંગ તાલીમ ૦૬ દિવસીય રોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવાં માટે એસ.બી.આઇ. ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ફેકલ્ટીશ્રી હંસાબેન ચાવડાગોર, સ્ટાફશ્રી ડી. જી. પઠાણ તેમજ ગેસ્ટ ફેકલ્ટીશ્રી અરૂણાબેન પ્રજાપતિ અને ગેસ્ટ ફેકલ્ટીશ્રી હેતલબેન ઝાલા હાજર રહ્યાં હતાં.
આ તાલીમમાં ભાવનગરના ઉમરાળા તાલુકામાંથી વાડોદ ગામના ૫૧ જેટલાં બી.પી.એલ. તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
એસ.બી.આઇ. ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ફેકલ્ટીશ્રી દ્વારા કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સો ભરવાં આ તાલીમ ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.
આ દીવેટ અંગેની તાલીમથી દીવેટ જેમ પ્રગટીને પ્રકાશ આપે છે તેમ આ તાલીમથી તાલીમાર્થીઓના જીવનમાં આર્થિક ઉજાશ પથરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બધાં તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપીને તાલીમનો તમારા જીવનમાં કેવી રીતે ઉપયોગ થઇ શકે તેના વિશેનું માર્ગદર્શન તાલીમાર્થીઓને આપવામાં આવ્યું હતું. તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપીને ભાવી જીવનની શુભેચ્છા આપવામાં આવી હતી.
નિયામકશ્રી, એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા,ભાવનગર દ્વારા આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.