નિજાનંદ પરિવાર,ભાવનગરે દત્તક લીધેલ ગામ ભાણગઢ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ભાણગઢ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજુભાઈ સોલંકી અને ભાણગઢના યુવાનોનું પ્રશંસનીય કાર્ય નિજાનંદ પરિવારને અનેક દાતાઓએ વૃક્ષના રક્ષણ કરતાં પાંજરાઓ આપીને પ્રોત્સાહિત કર્યા
પ્રકૃતિને હરી ભરી રાખવાં અને પશુ પંખીઓને કિલ્લોલ કરતાં રાખવાં માટે પ્રકૃતિનું જતન અને સંવર્ધન જરૂરી છે. પ્રકૃતિના આધારે જ સમગ્ર પૃથ્વી ફુલી-ફાલી છે અને પ્રકૃતિના ખોળે જ તે પાંગરે છે ત્યારે પર્યાવરણનું રક્ષણ સાથે તેનું સંવર્ધન થાય તે આપણી નૈતિક જવાબદારી છે.
આવા જ સામાજિક દાયિત્વના ભાગરૂપે ભાવનગરની જાણીતી સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવાર દ્વારા સિહોર તાલુકાના ભાણગઢ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નિજાનંદ પરિવાર દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલું છે અને ગામના વિકાસ માટે તે નિરંતર સેવારત છે.
આ સંસ્થા દ્વારા ભાણગઢ ગામમાં શિક્ષણ, પર્યાવરણની, આરોગ્ય, જનજાગૃતિ, પોષણ એમ બહુ આયામી ક્ષેત્રે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ સંસ્થા દ્વારા ભાણગઢના યુવાનોની ટીમ અને નિજાનંદ પરિવારના કર્મયોગી શિક્ષક આચાર્યશ્રી રાજુભાઈ સોલંકી દ્વારા ગામમાં શરૂઆતમાં ૨૫૦ જેટલાં લોક ઉપયોગી તેમજ પશુ-પક્ષીઓને ઉપયોગી એવાં વૃક્ષો ઉમરો, વડલો, પીપળો, આંબો જેવાં વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણનું મોટું કામ કર્યું છે.
ઉનાળામાં પાણીની તંગી વચ્ચે પણ પ્રાથમિક શાળાના બાળકો તથા યુવાનોએ રાત્રે પણ પાણી પીવડાવીને આ વૃક્ષોને જીવંત રાખવાનું ઉમદા કાર્ય કર્યું છે.
ભાણગઢ ગામના દાતાઓએ પણ નિજાનંદ પરિવારના આ કાર્યને બળ પૂરું પાડતાં વૃક્ષોના સંરક્ષણ માટે જરૂરી પાંજરાઓ પુરા પાડ્યાં હતાં. જેનાથી નાના અને કુમળા છોડનું રક્ષણ શક્ય બન્યું છે.
યુવાશક્તિને સમાજ ઉપયોગી કાર્યમાં તેમજ માનવતાના કાર્યમાં વાળવામાં આવે તો સમાજને ખૂબ સારા પરિણામ મળે છે. તેનું જીવન ઉદાહરણ ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા પ્રકૃતિ રક્ષા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
ભાણગઢના યુવાનશ્રી અરવિંદભાઈ બારીયાએ પણ તેમના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરી હતી.
આમ, સારી અને સાચી દિશાના પ્રયત્નો અને ઉત્સાહી ગુરુવર્ય એવાં શ્રી રાજુભાઈ સોલંકીની પ્રેરણાથી ભાણગઢ ગામમાં દિનબદિન પ્રકૃતિનું આચ્છાદન વધી રહ્યું છે.