બનાસકાંઠા ડીઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી દ્વારા કૃત્રિમ તરાપા બનાવવાનો અનોખો પ્રયોગ કરાયોઃ લોકોના જીવ બચાવવા કૃત્રિમ તરાપા બનાવવા અપીલ કરાઇ
હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને યોગ્ય રીતે સંચાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની વધારે વરસાદના કારણે સર્જાતી આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને તથા તમામ વિભાગોની ટીમોને બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા સતર્ક રાખવામાં આવ્યાં છે. જિલ્લામાં ભારે અથવા અતિભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય અને જો કોઈપણ પ્રકારનું સ્થળાંતર કરવાનું થાય કે રાહત- બચાવની કામગીરી કરવાની થાય તેવા સંજોગોમાં હાલ જિલ્લામાં ૧-બટાલીયન એન.ડી.આર.એફ, ૧– બટાલીયન એસ.ડી.આર.એફ અને જિલ્લાની અલગ-અલગ ટીમો જેવી કે પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, આપદા મિત્ર (GSDMA)ને પણ કલેકટરશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સુચના મુજબ અગાઉ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ તે સમયના સલામત આશ્રય સ્થાનની વિગતો પણ હાથવગી રાખવામાં આવી છે. આ ઉપરાંત ડુબવાના બનાવોમાં નિષ્ણાંત તરવૈયાની પણ વિશેષ જરૂરીયાત રહેતી હોય છે. જેમાં જિલ્લામાં દરેક ૧૪ તાલુકામાં કુલ- ૭૪૮ નિષ્ણાંત તરવૈયાની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે. ભારે વરસાદની સ્થિતિમાં જો સ્થળાંતર કરવાની જરૂર પડે અને માલસામાન હટાવવાની જરૂર પડે તેવા કિસ્સામાં ક્રેઈન, જે.સી.બી, ટ્રક, ટ્રેકટર જેવા ઈમરજન્સી વાહનોની યાદી પણ તૈયાર કરવામાં આવેલી છે.
આ અનુસંધાને ભારે વરસાદથી કોઈ નુકશાની થાય ત્યારે વહીવટીતંત્ર તો ૨૪ કલાક ખડેપગે રહીને રાહત બચાવની કામગીરી કરે જ છે પણ આવા સમયે જિલ્લામાં આવેલ સ્વૈચ્છીક સંસ્થાઓનો પણ વિશેષ ફાળો રહેતો હોય છે અને આ સંસ્થાઓ વહીવટીતંત્રના સંકલનમાં રહી તમામ પ્રકારની કામગીરી કરે તે મુજબની અગાઉથી જ તાલીમ આપી તાલીમબધ્ધ કરવામાં આવેલ છે.
જિલ્લાના તમામ વિભાગોને ચોમાસા ૠતુની કામગીરી દરમ્યાન પોતાનું હેડ કવાર્ટર ન છોડવા કલેકટરશ્રી દ્વારા કડક આદેશ કરવામાં આવેલા છે. આ ઉપરાંત જિલ્લાના તમામ ૧૪ તાલુકા હેડ કવાર્ટર ખાતે પૂર નિયંત્રણ કક્ષ પણ ૨૪ કલાક માટે કાર્યરત કરવામાં આવેલ છે. તમામ ૧૪ તાલુકામાં વર્ગ-૧ કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવી છે. તે તમામ લાઈઝન અધિકારીઓ સંપુર્ણ ચોમાસા ઋતુ દરમ્યાન બધી જ બાબતોની દેખરેખ રાખી જાહેર પ્રજાની સલામતી અને સુરક્ષા સંદર્ભે કામગીરી કરશે.
આ ચોમાસાની ઋતુમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (G.S.D.M.A), ગાંધીનગરના સંપૂર્ણ માર્ગદર્શન અને સુચના અનુસાર સંપુર્ણ મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. તેમની સુચના અનુસાર જિલ્લા કક્ષાએથી તમામ ડી.પી.ઓ.શ્રી (ડીઝાસ્ટર મેનેજમેન્ટ) કલેકટરશ્રીના સંકલનમાં રહી સમગ્ર ડીઝાસ્ટરની ટીમ સાથે મળી જાહેર પ્રજાજનોની હિતને લગતી મોન્સુનની કામગીરી કરતા હોય છે. તેમના દ્વારા જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ આ ચોમાસા ઋતુનો બનાવવામાં આવ્યો છે.
તે જાહેર જનતા માટે અને વહીવટીતંત્ર માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. વહીવટીતંત્રના અધિકારી- કર્મચારીઓ અને અન્ય તમામ ટીમો સાથે ખભે ખભા મિલાવી કામ કરવા આપદા મિત્રની ટીમના સભ્યો પણ એક્ટીવ મોડમાં છે. કોઈપણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગોમાં આપદા મિત્રો ખુબ જ ઉપયોગી નિવડશે. જિલ્લાના પ્રજાજનોની સુરક્ષા અને સલામતીની ચિંતા કરતા બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા તમામ અધિકારીઓને એલર્ટ રહેવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ VVIP મોડમાં તમામ સિસ્ટમને એક્ટીવેટ કરવા કડક સુચના આપેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર પાસે પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીને લગતા તમામ પ્રકારની સાધન સામગ્રી ઉપલબ્ધ છે. જેવા કે લાઈફ બોયા, લાઈફ ઝેકેટ, દોરડા, રસ્સા, ડી- વોટરીંગ પંપ, ઈમરજન્સી લાઈટ, વિગેરે. આ ઉપરાંત ગુજરાતમાં માત્ર બનાસકાંઠા જિલ્લામાં કલેકટર કચેરી, પાલનપુરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી (ડીઝાસ્ટર) દ્વારા કૃત્રિમ તરાપા (વાંસ, દોરી, અને પાણીના જુના કેરબા) પણ બનાવવામાં આવ્યા છે. આ તરાપો સમગ્ર ગુજરાતમાં ફક્ત બનાસકાંઠાની આ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે જ જોવા મળેલ છે.
આ તરાપો બનાવવા માટે શ્રી સંજય કુમાર ચૌહાણ (ડી.પી.ઓશ્રી- ડીઝાસ્ટર) અને તેમની ટીમના આપદા મિત્ર ટીમ લીડર હિતેશભાઈ મેવાડા અને હિતેશભાઈ બારોટ દ્વારા વાંસ, દોરો અને પાણીના જુના ૨૦ લીટરના કેરબાથી પોતાની સમજ શકિતનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. જુની પીવાના પાણીની બોટલોમાંથી પણ પૂરની સ્થિતિમાં પોતાનો જીવ કેવી રીતે બચાવવો તેનું પણ એક અદભુત મોડેલ બનાવવામાં આવ્યું છે .
જિલ્લાની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, આવા કૃત્રિમ તરાપા ગામે- ગામ બનાવવામાં આવે જેથી ઈમરજન્સીની સ્થિતીમાં નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોના જીવ બચાવી શકાય. આ નવતર પ્રયોગ કરનાર બનાસકાંઠા જિલ્લો પુરા ગુજરાતમાં એક માત્ર છે. આ તરાપાની તાલીમ પણ શાળા અને કોલેજોમાં આપવામાં આવે છે. જેથી લોકો તેને બનાવી પોતાનો જીવ બચાવી શકે અને પોતાના પરિવારની રક્ષા કરી શકે.
અંબાજી પ્રહલાદ પૂજારી