પવિત્ર શ્રાવણ માસનો પહેલો શુક્રવાર એટલે મા દ્વારા પોતાના બાળકની લાંબી ઉંમર માટે કરવામાં આવતું જીવંતિકા માતાનું વ્રત. મને યાદ છે, હું નાની હતી ત્યારે આ દિવસે હું સવારે ઊઠીને માને જોતી તો મા લાલ કપડાંમા સજ્જ થઈને જીવંતિકા માતાજીના ફોટા સામે દીવો અગરબત્તી અને પ્રસાદ કરીને અમને બન્ને ભાઈબહેનને સાથે બેસાડી અને માને કહેતી,
“હે મા ! મારા બન્ને બાળકો મેં તને સોંપ્યા.તું એમનું રક્ષણ કરજે.” ત્યારે વગર ચોમાસે મારી આંખમા આસું આવી જતા. થતું કે, કાશ હું આગળ જઈને મારી મા જેવી બની શકું. એક મા પોતાના સંતાન માટે કેટલું કરે છે ! તેનું ઋણ ચૂકવવું ખરેખર ગજા બહારની વાત છે. આજે હું મા બની ત્યારે મને સમજાયું કે મા શું છે?
એક મા વિધિના લેખમાં પણ મેખ મારી શકે છે તે વાતને ઉજાગર કરતુ આ વ્રત છે. આ વ્રત દરેક ભારતીય મહિલા હરખથી પોતાના બાળક માટે કરે છે.આજે મને પણ મારી દીકરીની પ્રગતિ, તેની લાંબી ઉંમર અને સુખ માટે વ્રત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.આજે હું સવારે ફૂલ લેવા ગઈ ત્યારે મેં ઘણી સ્ત્રીઓ ને લાલ કપડાંમા સજ્જ થયેલી જોઈ. કોઈ ઓફિસ જતી સ્ત્રી હતી, કોઈ ગૃહિણી હતી, જે વસ્તુ લેવા માટે બહાર આવી હતી, કોઈ મા હતી જે પોતાના બાળક શાળાએ મૂકવા જતી હતી.
કોઈ સફાઈકામદાર સ્ત્રી હતી, મંદિરે જતા કોઈ વૃદ્ધ બા પણ હતા જેમને હજુ પણ તેમના સંતાનની ચિંતા હતી.આ બધી જ સ્ત્રીઓને વ્રત કરતા જોઈ મને અહેસાસ થયો કે,હજુ પણ સ્ત્રીઓએ આપણી પરંપરા, સંસ્કૃતિ, સંસ્કારને જમાનો બદલાયો હોવા છતાં પણ જાળવી રાખ્યા છે. આજે મને તેનો આનંદ અને ગર્વ થયો… બસ !આજના દિવસે મા જીવંતિકાને પ્રાર્થના કરું છું કે,દરેક મા અને તેનું સંતાન સુરક્ષિત રહે..અને દરેક પર માતાજીના રખોપા રહે 🙏🏻