થોડા દિવસ પહેલાં જ રાજેશ રોજ રોજના ઘરના કંકાસથી ત્રાસી પોતાના ઘરડા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલો. આ વાતનું તેની પુત્રી હેલીને ખૂબ જ દુઃખ હતું. તેના વિચારો પિતાથી ખૂબ જ જુદાં પડતાં હતાં.
થોડા દિવસ પછી હેલીનો જન્મદિવસ હતો. દર વખતની જેમ રાજેશએ પુત્રી હેલીને માથે હાથ મૂકીને કહ્યું.
‘બેટા ! તારે શું ભેટ જોઈએ?’
એ સમયે હેલીએ ખૂબ જ નમ્રતાથી પિતાની સામે જોઈ ને કહ્યું
” પપ્પા, મારી ભેટ તો હું લઈ લઈશ,પણ તમે વચન આપો કે તમે પણ મારી રિટર્ન ગિફ્ટ સ્વીકારશો.!!”
રાજેશ દીકરીની જીદ આગળ નમી ગયો. જન્મદિવસના દિવસે માતાપિતાને વંદન કરી હેલીએ પિતા તરફથી મળેલી ભેટ સ્વીકારી.પછી વચન પ્રમાણે રિટર્ન ભેટ માટે તેણે પિતાની આંખ ઉપર પટ્ટી બાંધી ગાડીમાં બેસાડ્યા. પછી પોતે ગાડી ચલાવવા લાગી. ગાડી સીધી વૃદ્ધાશ્રમ જઈ અટકી.
હેલી ગાડીમાંથી ઉતરીને દોડતી દાદા દાદીને વૃદ્ધાશ્રમમાંથી બહાર લઈ આવી. એણે પિતાને પણ ગાડીમાંથી બહાર લાવી દાદા દાદી સામે ઊભાં રાખ્યાં.પછી પિતાની આંખ પરથી એણે પટ્ટી ખોલી.પછી રડતાં રડતાં બોલી.
“પપ્પા સ્વીકારશો ને મારી રિટર્ન ભેટ?”
આટલું સાંભળતા જ રાજેશ માતા પિતાની સામે રડતા રડતા ઢગલો થઇ ગયો. એ સમયે હેલીની આંખો એનાં પપ્પાને મૂંગું મૂંગું કહી રહી હતી.
“પપ્પા,ઘરડા માતાપિતાને ઘરનું જૂનું ફર્નિચર ના સમજો,તેમની છત્રછાયાથી જ આપણે ફૂલ્યાફાલ્યા છીએ….”
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “