ગુજરાતના જણીતા સંત અને યોગ સાધનાની આહલેક જગાવનાર પરમપૂજ્ય રાજર્ષિ મુનીજી બ્રહ્મલીન થયા છે. મુનીજીના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો દર્શન માટે ઊમટ્યા હતા. નોંધનીય છે કે મુનિજીના અંતિમ દર્શન આજે કૃપાલુ આશ્રમ,મલાવમાં સવારે ૮:૩૦ વાગ્યાથી ભક્તગણો માટે રાખવામાં આવ્યા છે જે બાદ કાયા વરોહણમાં બપોરે ૨ થી ૩ વાગ્યા સુધીમાં દર્શન થશે. અને આવતીકાલ તા ૩૧ને બુધવારે, સવારે ૧૧ વાગે રાજરાજેશ્વર ધામ, જાખણમાં અગ્નિસંસ્કારવિધિ કરવામાં આવશે
ભારતીય ઋષિમુનિઓ યોગ પરંપરાના વાહક ગણાય છે. ત્યારે લીંબડી પાસે આવેલા જાખણ ગામ સ્થિત રાજર્ષિ મુનીનો આશ્રમ તેમની સેવા-સખાવતને ખ્યાતનામ કારણે બન્યો છે. આ આશ્રમમાં જ રાજર્ષિ મુનીજીએ કઠિન ગણાતી ખેચરી યોગ સાધના સિદ્ધ કરી હતી. વર્ષ ૨૦૧૯માં તેમની યોગ સાધના અને યોગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન પ્રદાન કરવા બદલ તેમને વિશ્વ યોગ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
લકુલીશ ગુરુ પરંપરાને આગળ ધપાવતા રાજર્ષિ મુનીએ મૂળ મોરબી નજીકના શાપર ગામે જન્મ લીધો છે. હાલમાં હજારો શિષ્યોએ એમની પાસેથી ગુરુમંત્ર ધારણ કર્યો છે. યોગ થકી સ્વસ્થ જીવન તેમજ નિરોગી કાયાનો એમનો ઉપદેશ ગ્રહણ કર્યા બાદ હજારો લોકોનું જીવન સકારાત્મક રીતે ઉદ્ધવગતિ પામ્યું છે
સ્વામિ રાજર્ષિ મુનિએ ગુરૂ દિક્ષા મેળવી ત્યારથી યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ભારત સહિત વિશ્વમાં આશરે ૧૬૮૫ કેન્દ્રોનાં માધ્યમથી આધ્યાત્મ અને સંસ્કૃતિ તેમજ યોગ સાધના-યોગ વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતી લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશિપ એન્લાઈમેન્ટ મિશન અર્થાત લાઈફ મિશન સંસ્થાનાં તેઓ પ્રણેતા છે. સ્વામી વિવેકાનંદ, પરમહંસ યોગાનંદની યોગ વિષયક જાગૃતતા ફેલાવવાનાં તેઓ વારસદાર રહ્યાં છે એવું કહી શકાય. તેમની યોગ અંગેની સમજબૂજ થકી અનેકો લોકોને દિવ્ય ચેતના પ્રાપ્ત થઈ આંતરિક શકિતનો વિકાસ થયો છે.
આધ્યાત્મિક યોગ ગુરુ સ્વામી રાજર્ષિ મુનિએ યોગસાધના દ્વારા દિવ્યદેહ પ્રાપ્ત કર્યો છે. તેઓ પણ સ્વામી કે મુનિ બન્યા પહેલાં સામાન્ય સંસારી હતા, યશવંતસિંહ જાડેજા તેમનું નામ. સૌરાષ્ટ્રમાં પોરબંદરનાં મહારાણાનાં અંગત સચિવ દેવીસિંહ જાડેજાનાં ત્રણ પુત્રો પૈકી એકનું નામ યશવંતસિંહ જાડેજા. તેમને વડોદરામાં સરકારી નોકરી મળી હતી પરંતુ કોણ જાણે પૂર્વ જન્મનાં કોઈ સંસ્કાર કે કર્મો હશે કે, વડોદરા નજીકનાં મલાવ ગામે એક આશ્રમમાં તેઓ કૃપાલ્વાનંદજીનાં આધ્યાત્મિક પરિચયમાં આવ્યા. ૯ ફેબ્રુઆરી ૧૯૭૧નાં રોજ બ્રહ્મલિન સ્વામી કૃપાલ્વાનંદજી પાસેથી દિક્ષા પ્રાપ્ત કરી યશવંતસિંહ જાડેજા રાજર્ષિ મુનિ તરીકે ઓળખાયા. તેઓને સનાતન ધર્મને જાગૃત કરવાનુ કામ પણ સોંપાયુ. સ્વામીગુરુ રાજર્ષિ મુનિએ સુરેન્દ્રનગર-લીંબડી નજીક જાખણ ગામે દુર્લભ એવું બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એમ ત્રિવેદનું અદ્દભુત મંદિર સ્થાપ્યુ છે. જયાં દરરોજ આશરે ૪૦૦૦ જેટલા યાત્રીઓ દર્શનાર્થે આવે છે.
પ.પૂ. સ્વામી રાજર્ષિ મુનિજીને ઈ.સ. ૧૯૯૬થી ફેબ્રુઆરી ર૦૦૭ની સાલ સુધી પોતાની સાધનામાંથી સમય કાઢી જનકલ્યાણાર્થે ભારતના ગામડે ગામડે અને શહેરોના પ્રવાસ કરી ૧૭૦૦ સંસ્કાર કેન્દ્રો સ્થાપિત કર્યા અને સંસ્કૃત તથા ધર્મના માર્ગદર્શન માટે હજારો પ્રવચનો પણ કર્યા. તેમણે પ૦૦થી વધુ ભજનો દ્વારા શાસ્ત્રોકત ગૂઢ રહસ્યોને સંગીતમય વહેતા કર્યા છે. પ.પૂ. રાજર્ષિ મુનિજીએ આધ્યાત્મિક સાહિત્યના ક્ષેત્રમાં પણ ઉત્ત્।મ યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ૯૦ જેટલા પુસ્તકો લખ્યા છે. સન્યાસી બન્યા અગાઉ તેમણે વર્ષ ૧૯૫૫થી ૧૯૭૧ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સરકારમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહી સેવા આપી છે.
પોતાનું સમસ્ત જીવન યોગનાં પ્રચાર-પ્રસાર તેમજ યોગનાં સંવર્ધન અને વિકાસમાં યોગદાન માટે સમર્પિત કરનારા પ.પૂ. સ્વામી રાજર્ષિ મુનિજીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર ૨૦૧૯થી સન્માનિત કરવામાં આવતા તેમનાં શિષ્યો, અનુયાયીઓ તેમજ સમગ્ર ગુજરાતમાં આનંદસહ ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. યોગનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતનાં સ્વામી રાજર્ષિ મુનિની રાષ્ટ્રીય-આતંરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ તેમને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવતા યોગનાં ક્ષેત્રમાં એક ગુજરાતીએ ગુજરાત સહિત ભારતીય સંસ્કૃતિ, ગુરુ પરંપરા અને યોગવિદ્યાનું નામ ખરા અર્થમાં રોશન કર્યું છે.
દિવ્યદેહની કઠિન યોગસાધનામાં આજ સુધી સતત કાર્યરત અને પ્રયત્નશીલ રહેનારા, લકુલીશ અધ્યાત્મ પરંપરાના સાંપ્રત કુલગુરુ, યોગસિદ્ઘિઅભિમુખ એવા પરંતુ પ્રસિદ્વિપરામુખ સ્વામી રાજર્ષિ મુનિ સાંપ્રતકાળના યોગપુરુષ અને યુગપુરુષ છે એવું કહેવામાં જરાયે અતિશયોકિત નથી.