કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મંદિર એટલે સ્વાભાવિક રીતે પૂજા આરતી કે શ્રદ્ધા પ્રાર્થનાનું કેન્દ્ર. પરંતુ મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર એ ફક્ત ગાયત્રી મંદિર જ નહિ પણ જન સમાજના હિતને અનરુપ અનેક રચનાત્મક આંદોલનો ચલાવતું જન જાગૃતિનું કેન્દ્ર છે.
“આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર” આંદોલન અંતર્ગત સગર્ભા બહેનોને સતત સારા માર્ગદર્શન માટે અથાગ પ્રયત્ન કરે છે. જે પણ બહેનોને ગર્ભ ધારણ થાય એટલે તેઓને અહીંની બહેનોની ટીમ સંપર્ક કરે છે. એમના પરિવાર સાથે ગર્ભ સંસ્કાર માટે ગાયત્રી ચેતના કેન્દ્ર પર બોલાવી યજ્ઞ સાથે સંસ્કાર કરવામાં આવે છે. જેમાં સગર્ભા બહેને તથા તેમના પરિવારે શ્રેષ્ઠ તંદુરસ્ત બાળકના જન્મ માટે હવે શું ભૂમિકા રહેશે તે માર્ગદર્શન અપાય છે.
આ ગર્ભ સંસ્કાર થી બાળકનો જન્મ થાય ત્યાં સુધીના સમયગાળામાં સતત સંપર્ક રાખી સગર્ભા બહેનોને સમય સમય પર દિનચર્યા, યોગ પ્રાણાયામ, જરુરી સત્સાહિત્ય વાંચન તેમજ જે પણ જરુર લાગે તે ફોન અથવા રુબરુ માર્ગદર્શન અપાય છે.
દર મહિને પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજાવવામાં આવે છે. બાળક ના જન્મ સમયે અહીંની બહેનો સગર્ભા બહેન સાથે હૉસ્પિટલ પણ જાય છે. બાળકના જન્મ થાય એટલે મંત્રોચ્ચાર સાથે સંસ્કાર કરે છે. એમ સગર્ભા બહેનોની શ્રેષ્ઠ સંતાન માટે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર નિ: શુલ્ક સેવાથી અવિરત પ્રયાસ કરી રહેલ છે.
આ ઉપરાંત જે નવ દંપતિ હોય તેમને ભાવિ ગર્ભ ધારણ થાય તે પહેલાં શ્રેષ્ઠ સંતાન માટે પ્રિ- પ્લાનિંગ માટે પણ વિશેષ સંસ્કાર માટે દંપતિને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે.
દર ગુરુવારે ગાયત્રી ચેતના કેન્દ્ર પર તમામ સંસ્કાર નિ: શુલ્ક કરવામાં આવે છે. ૬ ઑક્ટોબર, ગુરુવારે પણ અહીં પાંચ બહેનોના ગર્ભ સંસ્કાર, પાંચ નવજાત શીશુઓને અન્નપ્રાશન સંસ્કાર અને એક શીશુના મુંડન સંસ્કાર કરવામાં આવ્યા.
આ “આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર” આંદોલન માટે ગાયત્રી ચેતના કેન્દ્રમાં શાંતિકુંજ હરિદ્વાર જઈ વિશેષ પ્રશિક્ષણ લીધેલ બહેનો જેમાં અમિતાબેન પ્રજાપતિ, રોહિણીબેન શર્મા, પ્રિતિબેન ભટ્ટ, વૈશાલીબેન ત્રિવેદી તથા હિમાનીબેન કંસારા આ પાંચ બહેનોની ટીમ નિ: શુલ્ક સેવા સાથે અથાગ મહેનત કરી રહી છે.