કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને ન્યાય અપાવવા બાબતે અરવલ્લી જિલ્લા અર્બુદા સેના મેદાને ઉતરી છે. આજે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ધરણા યોજ્યા હતા અને જેલ ભરો આંદોલન કર્યું હતું.
અર્બુદા સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ ગૃહમંત્રી તથા પૂર્વ ચેરમેન અમૂલ ફેડરેશન વિપુલ ચૌધરીને રાજકીય કિન્નાખોરીથી ખોટા કેસો ઉભા કરીને વિધાન સભાની ચુંટણીમાં ભાગ ન લઈ શકે તે ઈરાદાથી સરકાર દ્વારા ધરપકડ કરેલ છે. અગાઉ પણ દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ચુંટણી જાહેર થઈ તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આમ વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી લોકશાહી પ્રક્રિયાનું હનન કરીને ધરપકડ કરવામાં આવેલ છે.
તે સંદર્ભે વિપુલ ચૌધરીને ન્યાય નહિં મળે તો અર્બુદા સેનાના કાર્યકરો, પશુપાલકો અને સમાજના આગેવાનો અનિશ્ચિત સમય મર્યાદા સુધી ધરણા, ઉપવાસ તથા જેલ ભરો કાર્યક્રમો કરશે. જે અનુસંધાને અરવલ્લી જિલ્લા અર્બુદા સેના દ્વારા આજે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ધરણા યોજ્યા હતા અને જેલ ભરો આંદોલન કર્યું હતું.