તૈયાર થનાર શિલ્પોને અંબાજીમાં ગબ્બર હિલ તીર્થની પરિક્રમા પર પ્રદર્શિત કરવામાં આવશે
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી – ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી) – અંબાજી ખાતે શિલ્પોત્સવ શ્રુંખલા હેઠળ ચોથી રાષ્ટ્રીય કક્ષાની શિલ્પકળા પરીષદ “શિલ્પસ્મૃતિ”નો ૧૮ ડીસેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાના કુલ મળી ૧૪ જેટલા પરંપરાગત શિલ્પકારો ભાગ લઇ રહ્યા છે. આ શિલ્પકારો દ્વારા શક્તિના સ્વરૂપ અથવા તેમના રાજ્યના વિશિષ્ટ શક્તિપીઠ કોતરવામાં આવી રહેલ છે. અહિયાં તૈયાર થનાર શિલ્પો અંબાજીમાં ગબ્બર હિલ તીર્થની પરિક્રમા પર પ્રદર્શિત કરવામાં આવશે.
“શિલ્પસ્મૃતિ”માં શિલ્પોત્સવના ક્યુરેટર અને સાપ્તી અંબાજીના સેન્ટર ડિરેક્ટરશ્રી નીતિન દત્તે જણાવ્યું હતું કે, અત્યાર સુધી યોજાયેલ શિલ્પોત્સવો અને બનાવવામાં આવેલા શિલ્પો આધુનિકતાવાદી અને સમકાલીન સ્વરૂપના હતા. જેથી, ખાસ પરંપરાગત તકનીકોમાં કામ કરતા શિલ્પકારો માટે પણ એક અલગ શિલ્પકળા પરીષદ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. જેના ભાગરૂપે સાપ્તી અંબાજી કેમ્પસ ખાતે આગામી ૬ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી ચાલનારી આ ચોથી ૨૦ દિવસીય રાષ્ટ્રીય સ્તરની શિલ્પકળા પરિષદ ‘શિલ્પસ્મૃતિ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પથ્થર કળા અને શિલ્પની સદીઓ જૂની પરંપરાની જાળવણીના સતત પ્રયાસોના ભાગરૂપે કમિશનરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ – શ્રી રૂપવંત સિંઘની સુચના અને સાપ્તી સ્ટેટ નોડલ યુનિટના નિયામક શ્રી વીણા પડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી) અંબાજી દ્વારા શિલ્પકળા માટેની અનોખી શ્રુંખલા “શિલ્પોત્સવ” હેઠળ રાષ્ટ્રીય કક્ષાની ૨૦ દિવસીય શિલ્પકળા પરિષદોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારો ઉપરાંત ઉભરતા શિલ્પકારોને પણ તેમની પ્રતિભા દર્શાવવાનો મંચ આપવામાં આવે છે.
જૂન ૨૦૨૨ થી અત્યાર સુધી યોજાયેલા શિલ્પાંકુર, શિલ્પાકૃતિ અને શિલ્પાંકનની ત્રણેય આવૃત્તિમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૪૭ શિલ્પકારોએ ઉત્સાહભેર ભાગ લઇ સફેદ આરસપહાણ (માર્બલ) અને સેંડસ્ટોનના શિલ્પો બનાવ્યા હતા. શિલ્પોત્સવ દરમ્યાન શિલ્પકારો આધ્યાત્મિકતા, યોગાસન, પંચતત્વ/પંચમહાભૂત, ૧૬ સંસ્કાર, નવ રસ, અંબાજીનો ઐતિહાસિક સંદર્ભ, વગેરે જેવા સ્વદેશી અને ઐતિહાસિક વિષયો પર શિલ્પકૃતિઓ તૈયાર કરે છે.
હાલ યાત્રાધામ અંબાજીનું નવીનીકરણ અને સુશોભન કરવામાં આવી રહ્યું છે. જેમાં સાપ્તી અંબાજી દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવી રહ્યું છે. સાપ્તી દ્વારા આયોજિત શિલ્પોત્સવમાં તૈયાર થયેલા ૩૫ જેટલા પથ્થરશિલ્પોને અંબાજી અને ગબ્બર હિલ વિસ્તારની નજીકના આઉટડોર સ્થળોને સુશોભિત કરવા માટે વિવિધ જગ્યાએ સ્થાપિત કરવામાં આવેલ છે. આ અદ્ભુત પથ્થરશિલ્પો અંબાજીને પથ્થર કળાના વ્યાપક કેન્દ્ર તરીકે તેમજ અંબાજીના પર્યટનને વેગ આપવાની સાથે સાથે લોકોને ગુજરાત તથા અંબાજીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભ સાથે જોડશે.
શિલ્પોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક સહભાગીને માનદ વેતન ઉપરાંત, રહેવા-જમવાની સુવિધા તથા સ્ટોન બ્લોક-સાધનો, વ્યવસાયિક કાર્વિંગ સપોર્ટ વગેરે સાપ્તી દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. શિલ્પોત્સવમાં શિલ્પકારોને સાપ્તી ખાતે આવેલી ખુલ્લી જગ્યા પર કામ કરવાની સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે મુલાકાતીઓ/જાહેર જનતાને પથ્થરની કોતરણીની પ્રક્રિયા અને તૈયાર થયેલ શિલ્પો જોવા માટેની તક મળે છે જેના થકી ખાસ કરીને નવી પેઢીને આ સમૃદ્ધ ભારતીય પરંપરાગત કળા અને વારસાની નજીકથી સમજણ મળે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી