રાજકોટ તા.20 ભારતમાં હાલ જયારે લોકતંત્ર તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે તેના બચાવ ની એકમાત્ર ઉમ્મીદ ચોથી જાગીર છે. લોકતંત્ર નાં આધાર સ્તંભ કહી શકાય તેવાં ત્રણ પાયા ડગમગી ગયા છે અને ચોથો પાયો પત્રકારત્વ પણ તેની અસલી ધાર ખોઈ બેઠું છે ત્યારે સમગ્ર દેશવાસીઓ માટે આશાનું એકમાત્ર કિરણ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ છે જે હાલમાં 20 થી વધુ રાજ્યોમાં પત્રકાર સુરક્ષા કાનૂન માટે સંઘર્ષરત છે.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની રાષ્ટ્રીય કમિટી ની ઓનલાઈન બેઠક ને સંબોધન કરતાં સમિતિ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ દ્વારા આ વાત કહેવામાં આવી હતી.
સ્વતંત્ર દેશ માટે સ્વતંત્ર અને દબાણ વગરનું પત્રકારત્વ ખૂબ જ જરૂરી છે જે માત્ર પત્રકાર સુરક્ષા કાનૂન દ્વારા જ શક્ય છે. હાલમાં કોર્પોરેટ કંપનીઓ દ્વારા પત્રકારત્વની દિશા અને દશા બદલી નાખવામાં આવી છે અને પત્રકારો સામાન્ય કર્મચારી બની ને રહી ગયા છે તે સ્થિતી તંદુરસ્ત લોક્શાહી અને દેશનાં 142 કરોડ લોકોની આઝાદી માટે પણ ખતરા રૂપ છે.
દેશને આઝાદ કરવાં માટે અનેક શહીદ વીરો એ બલિદાન આપ્યાં છે ત્યારે તેનું જતન કરવું એ દેશનાં નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ છે તેવુ જિજ્ઞેશ પટેલ દ્વારા પત્રકાર મિત્રો ને જણાવવામાં આવ્યું હતુ. સમગ્ર દેશભરના પત્રકારો હાલ ABPSS નાં બેનર હેઠળ એક થઈ રહયા છે
ત્યારે તેઓની એકતા થી ગભરાયેલા સ્થાપિત હિતો અન્ય પત્રકારો નો ઉપયોગ કરી નાના અને કામચલાઉ પત્રકાર સંગઠનો બનાવી ને પત્રકાર એકતા નાં કાર્યમાં બાધા ઉત્પન્ન કરી રહયા છે ત્યારે પત્રકારોએ પણ આ વાત ને સમજી ને દેશનાં સૌથી મોટા પત્રકાર સંગઠન કે જે રાજકારણથી પર રહીને માત્ર પત્રકાર હિત અને દેશની જનતા નાં હિત માટે કાર્યરત છે તેમાં જોડાઈને પત્રકાર એકતા નો નાદ બુલંદ કરવા તેમણે આ તકે આહવાન કર્યું હતુ.