પાકું મકાન બનવાથી આરામથી રહીએ છીએ, હવે ભાડાના મકાનમાંથી મુક્તિ મળી છે : લાભાર્થી હકુબેન કંટારિયા
પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા હકુબેન મહેન્દ્રભાઇ કંટારિયા. હીરા ઉદ્યોગમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા કંટારિયા પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે.
શ્રીમતિ હકુબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં પ્લોટ હોવા છતાં પાકું ઘર બનાવવા મૂડી ના હોવાને લીધે પાકું મકાન બનાવી શકતા નહોતા, તેમના પતિ શ્રી મહેન્દ્રભાઇની ઓછી આવક, નબળી આર્થિક સ્થિતિના કારણે મકાન બની શક્યું ન હતું.
તેમના પરિવારના સભ્યોમાં તેમની ૨ દીકરીઓ અને એક દીકરો છે વર્ષોથી ભાડાના ઘરમાં રહેતા હતા, જેથી અવારનવાર મકાન માલિક ઘર ખાલી કરાવે જેથી મુશ્કેલી થતી હતી નાના બાળકો હોઈ સમાન બદલવાથી લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
શ્રીમતિ હકુબેનના પતિ શ્રી મહેન્દ્રભાઇ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમનું નામ યાદીમાં સમાવેશ થયું. સરકાર દ્વારા મકાન સહાય પેટે રૂ. ૩ લાખ ૫૦ હજાર હપ્તાથી મળતા સુખનો સૂરજ ઉગ્યો હોય એવી અનુભૂતિ થઈ હતી અને આ સહાયથી મકાન બાંધવું સરળ બન્યું હતું.
હકુબેને હરખાતા હૈયે જણાવે છે કે, અમારા પરિવારનું પોતાનું ઘરનું સરનામું મળ્યું છે અને અમારું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવા બદલ રાજ્ય, કેન્દ્ર સરકાર તથા આવાસ યોજનાનો લાભ અપાવનાર સૌ કર્મયોગીઓના આભારી છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જાહેર કરવામાં આવી હતી.