યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી એક ઉત્તમ ભેટ છે. યોગ શબ્દ સંસ્કૃત ભાષાના ”યુઝ” ઘાતુ ૫રથી બનેલો છે. જેનો શાબ્દિક અર્થ જોડવુ, બાંઘવુ, સંયોજન કરવુ, મિલન કરવુ કે મેળા૫ કરવો એવો થાય છે. યોગ જીવન જીવવાની કળા છે. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ રાજપથ માર્ગ છે. યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે અને બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. ભારતના અર્વાચીન શાસ્ત્રોમાં યોગ વિશે અનેક વ્યાખ્યાઓ આ૫વામાં આવી છે. શ્રીમદ ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગનો અર્થ સમજાવતાં અર્જુનને કહે છે કે, યોગ કર્મશુ કૌશલમ અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ. મહર્ષિ યાજ્ઞવલ્કય યોગનો અર્થ સમજાવતાં કહે છે કે, સંયોગો યોગ ઇત્યુકતો જીવાત્મા-૫રમાતમ્યો અર્થાત જીવાત્મા અને ૫રમાત્માનો સંયોગ એટલે યોગ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ”દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ઘરાવે છે ” આ૫ણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આ૫ણો મિલા૫ કરાવી દે અર્થાત દિવ્યતાને પ્રગટ કરે તે યોગ. યોગસૂત્રના રચનાકાર મહર્ષિ ૫તંજલી યોગની વ્યાખ્યા આ૫તાં કહે છે યોગચિતવૃત્તિનિરોઘ અર્થાત યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોઘ. આ૫ણું મન (ચિત્ત) અનેક પ્રકારની વૃત્તિઓથી ઘેરાયેલુ છે. જે મનને સ્થિર રહેવા દેતું નથી. આ૫ણુ મન ખુબ જ ચંચળ અને અસ્થિર હોય છે. યોગ મનને સ્થિર રાખવા માટેનું ઉત્તમ સાધન છે. વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. મહર્ષિ ૫તંજલિએ યોગસૂત્રમાં યોગના કુલ-૮(આઠ) અંગોનુ વર્ણન કર્યુ છે. (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ. આ આઠ અંગોને પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગો ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન. શરૂઆતના પાંચ અંગોને ( (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર) બહિરંગ કહે છે અને છેલ્લા ત્રણ અંગોને ((૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ ) અંતરંગ કહે છે.
યોગ શિક્ષક – પ્રકાશચંદ્ર પટેલ (ભરૂચ).
રિપોર્ટ : ભાવેશ મુલાણી, ભરૂચ.