જામનગર: જામનગર શહેરની સેવાભાવી સંસ્થા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ના સહયોગથી આજે બીજા રાઉન્ડ માં ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉદ્યોગકાર મેહુલભાઈ જોબનપુત્રા અને મિત્ર મંડળ નો પણ સહયોગ સાંપડ્યો છે.
જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે, જે તમામ લોકો માટે જામનગરની સેવાભાવી સંસ્થા ઉપરાંત શહેર ભાજપના સંગઠન દ્વારા ફૂડપેકેટ બનાવવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરી લેવામાં આવી છે.
જેના અનુસંધાને જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા ની આગેવાનીમાં પરમદીને ૧૫,૦૦૦ થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને જિલ્લા વહીવટી તંત્રને સોંપી દેવામાં આવ્યા હતા.
પરંતુ હજુ પણ જામનગરના અનેક આશ્રય સ્થાનોમાં સંભવિત વાવાઝોડાની દહેશતના પગલે નીચાણવાળા વિસ્તાર ના નાગરોકોને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે, અને તેઓને રાતવાસો કરવામાં આવી રહ્યો છે.
જેઓ માટે વધુ ફૂડપેકેટ ની જરૂરિયાત હોવાથી કેશવજી અરજણ લેઉવા પટેલ સંસ્થા તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા વધુ ૧૪,૦૦૦ ફૂટ પેકેટ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યા છે.
કેશવજી અરજણ લેવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ની આગેવાનીમાં ૪૦ થી વધુ કાર્યકરોની ફોજ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના ઉદ્યોગકાર મેહુલભાઈ જોબનપુત્રા અને તેઓનું મિત્ર મંડળ પણ સહયોગી બન્યું છે. જે તૈયાર કરાયેલા ફૂડ પેકેટ જામનગર જિલ્લાના વહીવટી તંત્રને સોંપવામાં આવી રહ્યા છે.