*અમદાવાદ* અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયરનું મોત નિપજ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન વહેલી સવારે PSI એ.એન.ભટ્ટનું મોત થયું છે. આ નિધનથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો માહોલ ફેલાયો છે.
PSI એ.એન. ભટ્ટ 12 સપ્ટેમ્બર સુધી ડ્યુટી પર હતા. આ દરમિયાન તેઓને તાવ આવ્યો હતો. 13 સપ્ટેમ્બરના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. જો કે આ સમય દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી.
ત્યારબાદ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી પણ તેઓની તબિયત વધુ લથડતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેઓનું આજે નિધન થયુ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,21,930 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 લાખ 2 હજાર અને 571 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,305એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ 37,39,782 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં 16,054 એક્ટિવ કેસમાંથી 97 દર્દી વેન્ટિલેટર પર અને 15,957 દર્દીની હાલત સ્થિર છે.
ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 84.12 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 61,432 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.