કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુપ્રસાદજી ટુંડિયા અને પૂર્વ મંત્રીશ્રી આત્મારામભાઈ પરમાર દ્વારા રથનું પ્રસ્થાન કરાવાયું
સમગ્ર ગઢડા શહેરને ધજા-પતાકાથી સજાવ્યું
રાજ્યમાં ત્રીજુ સ્થાન ધરાવતી ગઢડાની રથયાત્રામાં ભવ્યાતિભવ્ય રીતે ભગવાન નગરચર્યાએ નીકળ્યા. ગઢડામાં પરંપરાગત રૂટ ઉપર શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સંતો દ્વારા તેમજ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુપ્રસાદજી ટુંડિયા અને પૂર્વ મંત્રીશ્રી આત્મારામભાઈ પરમાર દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સમગ્ર ગઢડા શહેરને ધજા પતાકા અને વિશાળ ગેઇટથી શણગારવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન અનેક સુંદર સુષોભિત ફ્લોટસ અને રાસ મંડળીઓ, બેન્ડ વાજા, ડી.જે. સાઉન્ડ, અખાડા સહિત અનેક પ્રદર્શનો રથયાત્રાનું આકર્ષણ બન્યા છે. ભાવિક ભક્તો માટે મગ, ચણા, મઠ સહિતના કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ રથયાત્રા દરમિયાન વિશાળ રથમાં જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી છે.
ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
રિપોર્ટ જયરાજ ડવ બોટાદ