ભાવનગર
સને 1947થી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને દર વર્ષે આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારનો વન વિભાગ અને તેનું સામાજિક વનીકરણ ડિવિઝન તેનું આયોજન કરે છે.
ચાલુ વર્ષે આ ઉજવણી 74 માં મણકા સુધી પહોંચી ગઈ છે એટલે કે આ વર્ષે 74મો વન મહોત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવાવાનો છે. દર વર્ષે વન વિભાગના નેતૃત્વમાં ખેડૂતો કિસાનો તથા વન વિભાગની નર્સરીમાં રોપાનો ઉછેર કરીને તેનું વિતરણ અલગ અલગ રીતે કરવામાં આવે છે.
એક અંદાજ મુજબ સરકાર આવા 25 લાખ રોપાઓ દર વર્ષે લોકોને વિતરીત કરે છે.આ કાર્યક્રમ જિલ્લા તથા તાલુકા કક્ષાએ સરકાર દ્વારા આયોજિત થાય છે. પરંતુ આ કાર્યક્રમનો કોઈ ખાસ પ્રભાવ પડતો નથી. 73 વર્ષથી ચાલતાં આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે.દરવર્ષે ઓછામાં ઓછાં રૂપિયા એક કરોડના ખર્ચે આ કાર્યક્રમમાં કરવામાં આવે છે.લોક ભાગીદારી અને સમાજને જોડવાની વિભાગની કાર્યપદ્ધતિ ગતાનુંગતિક અને ચિલાચાલુ બની ગઈ છે.
પંરતુ આ કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર મોટાં પ્રમાણમાં ભાગ લે છે તે માટે વિવિધ બિનસરકારી સંસ્થાઓને અને પર્યાવરણ કાર્યકર્તાઓને પૂરતા પ્રમાણમાં જોડવાં જોઈએ જે અધિકારીઓ કરતાં નથી.સરકારી કાર્યક્રમ ગણી તેની વેઠ ઉતારવામાં આવે છે.જે તે ધારાસભ્યશ્રી તથા પદાધિકારીઓના ફોટા અને અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે.તેથી આ કાર્યક્રમમાં લોકો, સંસ્થાઓ અને સામાજિક નિસબત ધરાવતા કાર્યકર્તાઓને જોતરવાની માંગ ઊઠી છે.
ભાવનગર સહિત રાજ્યના અગ્રણી પર્યાવરણવિદોએ આ વિગતો રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓના ધ્યાનમાં મુકી છે.
અહેવાલ તખુભાઈ સાંડસુર