વંચિત પીડિત મહિલાઓનું જીવન સુધારણા કાર્ય કરતા પ્રો. અનુરાધાબહેન દ્વારા ત્રણ દાયકાના અનુભવો પુસ્તકમાં આલેખાયા
પ્રબુદ્ધ નાગરિકોની બહોળી ઉપસ્થિતિમાં પ્રો. અનુરાધા મૈયાણી ના પુસ્તકનું વિમોચન સમારોહ યોજાયો
ભાવનગર તા.16/7/2023
ભાવનગરના શ્રી તાપીબાઈ ગાંધી વિકાસગૃહની ત્રણ દાયકાની સેવાના અનુભવોનાં સંવેદના સભર કથાનકો પર પ્રા.અનુરાધા ચંદવાકર મૈયાણી લિખિત “નયને અશ્રુની ધારને હસતા ચહેરા” પુસ્તક વિમોચન સમારંભ ગત તા.15મી જુલાઈ ના રોજ પ્રબુદ્ધ નાગરિકોની મોટી ઉપસ્થિતિમાં યોજાય ગયો.
ગુજરાતના જાણીતા શિક્ષણવિદ સ્વ. તખ્તસિંહજી પરમારના ધર્મપત્ની રામકુંવરબાના હસ્તે પુસ્તક વિમોચન કરાયું હતું. આ પ્રસંગે જાણીતા ભાગવતાચાર્ય અને ગોપનાથ મહાદેવ જગ્યાના મહંત પૂ.સીતારામ બાપુ (શિવકુંજ આશ્રમ, આધેવાડા) એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પુસ્તક જીવનનો સાચો મિત્ર છે. જીવનમાં કંઈક ખૂટે તો સારા પુસ્તકો તે ઉણપ પુરી કરવા સમર્થ છે. માટે જીવનમાં પુસ્તકો થકી સમૃધ્ધ પેઠી તૈયાર થાય તે ઈચ્છીનિય છે.
કવિશ્રી નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢના પૂર્વ કુલપતિ જે.પી. મૈયાણીએ સંબોધિત કરતા જણાવ્યું હતું કે વંચિત પીડિત મહિલાઓ માટે કામ કરતા લેખિકા અને તેના જુસ્સા ને કારણે અને અનેક મહિલાઓની જિંદગી સુધરી છે – ઉજળી છે. તેનો હું સાક્ષી રહ્યો છું. માટે યજ્ઞમાં જોડાયેલા તમામ અભિનંદન ના હક્કદાર છે.
ભાવ. યુનિ.ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ મહેન્દ્રસિંહજી પરમારે પુસ્તકની વાત કરતા કહ્યું હતું કે, આ માત્ર પુસ્તક નથી અનેક પડકારો સામે લડતની દાસ્તાન છે. દરેક માટે જીવન ઉદ્દેશ છે.
ગુજ. યુનિ ના પ્રો.ડૉ. પ્રીતિ મૈયાણી એ જણાવ્યું હતું કે આ પુસ્તક આજે દરેક યુવતિઓ બહેનો માટે દીવાદાંડી સમાન છે. લેખિકાની સંઘર્ષ યાત્રા છે.
લેખિકા પ્રો.અનુરાધા મૈયાણીએ પોતાના વિચાર રજૂ કરતા કહ્યું હતું કે, જીવનમાં ગમે તેવા પડકારો સામે લડવા હંમેશા તૈયાર રહેવું. ગમે તેવા સંજોગોમાં બહેનોએ હિંમત હારવી જોઈએ નહિ. દરેક સમયે દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે. બસ માત્ર આત્મવિશ્વાસ ભરપૂર રાખવો રહ્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ત્વરા ભટ્ટ એ કર્યું હતું. જ્યારે આભારવિધિ નિરાલી મૈયાણી એ કરી હતી.