૫ જુલાઈએ રેલયાત્રાનો અગિયારમો પડાવ ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં
ઉજ્જૈન (તખુભાઈ સાંડસુર દ્વારા)
પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહેલી માનસ નવસો જ્યોતિર્લિંગ રામકથા આજે પાંચમી જુલાઈના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનના ખ્યાતનામ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર ખાતે પહોંચી હતી.
દ્વાદશ જ્યોતિર્લિંગની આ રેલયાત્રા કથાનો આજે 11 મો પડાવ હતો. હવે પછી બીજા દિવસે એટલે કે તારીખ 6 ના જ્યોતિર્લિંગકથા ગુજરાતમાં પ્રવેશ કરીને દ્વારકા પાસે નાગેશ્વર યોજાશે. પછી તારીખ સાતના રોજ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પહેલા પરંતુ યાત્રામાં છેલ્લાં જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે કથા વિરામ પામશે.યાત્રિકો ચિત્રકુટધામ તલગાજરડા હનુમાનજીના દર્શન કરી યાત્રા સમાપ્ત કરશે.
પુ.મોરારિબાપુએ આજની કથામાં અમૃતવાણીને વહાવતા કહ્યું કે આ જ્યોતિર્લિંગ કથાયાત્રા એ એક વિશુદ્ધ અધ્યાત્મ્ય યાત્રા છે. બધાં જ્યોતિર્લીંગ પોતાની જ્યોતિથી સૌને શીતલ પ્રકાશ આપી રહ્યાં છે.
શિવજી સંગીત જાણતલ છે તેમને બધા રાગો પ્રિય છે પરંતુ તેમાં માલકોશ માટે વધુ પ્રીતિ દેખાય છે.આ અવંતિકા નગરીમાં આ કોઈ કલાઓ એવી નથી કે જે અહીં પોષિત ન થઈ હોય.રાજા ભોજ અને ભર્તુહરીની પૌરાણિક કથાઓ પણ આ નગરીની સાથે જોડાયેલ છે.
રુદ્રાષ્ટકનુ અહીં ગાન કરવામાં આવ્યું છે.ત્રણ તિથિમાં કાગભુષંડી અહીં આવે છે તે દિવસે છે શિવરાત્રી ગુરુપૂર્ણિમા અને રામરાજ્યની સ્થાપનાના દિન. અહીંના શિવમંગલ સુમનજીને પણ યાદ કરવાં રહ્યાં તે ઉત્તમ વિચારક હતાં. બધા જ પંથો અખંડ ભારતના નિર્માણમાં કાર્ય કરે તે જરૂરી છે પછી તે શૈવપંથ હોય કે પછી વૈષ્ણવ હોય.
કથાના ક્રમને આગળ વધારતાં બાપુએ આજે રામ જન્મની કથા કરી હતી. ત્રણેય માતાઓના કુખેથી ચાર પુત્રોનો જન્મ થયો. દશરથજીમા જ્ઞાન,ભક્તિ અને કર્મનો સંગમ છે . બ્રહ્મ યોગ, લગ્ન,ગ્રહ, વાર,તિથિ મુજબ અવતરણ પામે છે. આ બધાં જ સમયાવધીને વિસ્તૃત રીતે સમજાવીને રામ બ્રહ્મ છે કે કેમ તેની શંકા અને તોડવા માટે ગુરુનો આશ્રય કેટલો જરૂરી છે તેના પર ભાર મૂક્યો હતો.
બાપુએ ઉજ્જૈનના આ સુંદર મજાના કોરિડોરની રચના માટે પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યાં હતાં.પોતે બે વર્ષ પહેલાં અહીં આવેલાં અને આજે બે વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું છે. તેનો ઉલ્લેખ પણ બાપુએ કર્યો. બધાં જ જ્યોતિર્લિંગ આજ રીતે વિકાસની યાત્રામાં જોડાઈ જાય એવો ભાવ પ્રગટ કર્યો હતો.
આજની કથામાં કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાઈ શ્રી પંકજભાઈ મોદી અને બીજા સાધુ સંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં .સમગ્ર યાત્રાનું આયોજન સુંદર રીતે થઈ રહ્યું છે. હવે આ કથાયાત્રા અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. ત્યારે સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર નથી પડી તેવો મત સૌ યાત્રિકો કોઈએ દર્શાવ્યો હતો.