અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી મંદિરે વઢવાણના શ્રી જય અંબે પગપાળા યાત્રા સંઘ દ્વારા ડિજિટલ ધજા ચડાવવા માં આવી છે. જે લાખો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે. એલ.ઇ.ડી લાઈટ અને સેન્સર સાથેની આ ડિજિટલ ધજા ઓટોમેટિક ચાલુ બંદ થાય છે. સૂર્યાસ્ત થવાની સાથે જ ધજાની લાઈટો ઝગમગી ઉઠે છે અને સૂર્યોદય થવાની સાથે જ લાઈટો ઓટોમેટિક બંદ થાય છે. 7 મીટર લાંબી આ ધજા હાલમાં મેળા માં સૌ માઇભક્તોમાં આકર્ષણ જમાવી રહી છે.
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેનો ભાદરવી પૂનમનો મેળો એના અંતિમ ચરણમાં છે. લાખો શ્રધ્ધાળુ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. રાજ્યના ખૂણે ખૂણે થી અને દૂર સુદૂર થી અંબાજી પગપાળા યાત્રાસંઘો આવે છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ થી આવતો શ્રી જય અંબે પગપાળા યાત્રા સંઘ છેલ્લા 80 વર્ષથી અંબાજી મેળામાં આવે છે.
અંબાજીમાં બિરાજમાનમાં આદ્યશક્તિ અંબાજી માતાજીના મંદિરે ભાદરવી પુનમે દર્શન અને ધજા ચડાવવાનું ભારે મહત્વ રહેલું છે.આ વખતે પ્રથવાર મા અંબાને સંઘ દ્વારા ડિજિટલ ધજા ચડાવવાનો મનોરથ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સંઘમાં 150 થી વધારે શ્રધ્ધાળુ માઇભક્તો જોડાયા છે. બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે ડિજિટલ ધજા ચડાવાઈ ત્યારે સમગ્ર પરિસરનું વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.