પર્યાવરણ એ ચાર દિવાલ વચ્ચે બેસીને ભણવાનો વિષય નથી પણ આસપાસના વિસ્તારને માણવાનો વિષય છે. ભાવનગર વન વિભાગ અને સિહોર ક્ષેત્રીય રેન્જ દ્વારા સિહોર આરક્ષિત જંગલ વિસ્તારમાં આવેલ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે ત્રણ દિવસ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના 300 કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે નવા ગુંદાળા પ્રાથમિક શાળા, બીજા દિવસે નાના સુરકા પ્રાથમિક શાળા અને ત્રીજા દિવસે નવાગામ (મોટા) તથા ભાણગઢ પ્રાથમિક શાળાના બાળકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો.
આ શિબિરમાં જંગલ ટ્રેકીંગ સાથે પ્રકૃતિ શિક્ષણના પાઠ શીખવવામાં આવ્યા હતા. કુલ 10 કિલોમીટર જેટલા ટ્રેકીંગ રૂટમાં વન વિભાગના કર્મીઓ દ્વારા પક્ષીઓ, વૃક્ષો અને પ્રાણીઓની દર્શનીય માહિતી આપી શિબિરને ખરા અર્થમાં સાર્થક કરી હતી.
બાળકોને મનોરંજન સાથે પ્રકૃતિ શિક્ષણ આપવા માટે રાજકોટથી નવરંગ નેચર ક્લબના પ્રમુખશ્રી વી.ડી બાલા (નિવૃત આર.એફ.ઓ) અને ઊગામેડીથી આર.પી.પટેલ (નિવૃત હાઈસ્કૂલ આચાર્ય) બન્ને ખાસ ઉપસ્થિત રહ્યા હતા
તેમજ તેમણે વન – પર્યાવરણને લગતી સરળ અને સચોટ ભાષામાં સમજ આપી અને બાળકોને આપણી વિસરાઈ ગયેલી દેશી રમતો રમાડી હતી. રાજહંસ નેચર ક્લબ ભાવનગરના હર્ષદભાઈ રાવલિયાની હાજરી સાથે સમગ્ર શિબિરને સફળ બનાવવા માટે સિહોર વન વિભાગના ફોરેસ્ટર વી.જે ડોડીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને સમગ્ર સ્ટાફ તથા શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરવા સિહોર રેન્જના આર.એફ.ઓ બી.આર સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
આવેલ તમામ બાળકોને પ્રોત્સાહન માટે રોયલ ક્રિકેટ ક્લબ – સિહોરના સૌજન્યથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાઓના સંકલન અને ટ્રેકીંગમા રાજેન્દ્રસિંહ સોલંકી, ભરતભાઈ વાઘેલા જોડાયા હતા. સમગ્ર શિબિરમાં બાળકોને મુક્ત મને આનંદ સાથે પ્રકૃતિ શિક્ષણ આપવાનો હેતુ ચરિતાર્થ થયો હતો.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર