ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી દીપડાના બચ્ચાની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. ઝઘડિયા વન વિભાગે 4 મહિનાના દીપડાના બચ્ચા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ઔદ્યોગિક અને આદિવાસી ભરૂચ જિલ્લામાં હવે દીપડાની વધેલી વસ્તી આ વન્યજીવ માટે પણ જોખમી બની ગઈ છે. વન્યજીવોની તસ્કરીનું રેકેટ ઝઘડિયાના પાણેથાથી RFO એમ.કે.પરમારે, નેત્રંગ RFO એસ.યુ.ઘાંચી, ભરૂચ રેન્જને સાથે રાખી ઝડપી પાડ્યું છે.
મુંબઈની વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ અને ગુજરાત સોસાયટી ફોર પ્રિવેનશન ઓફ ક્રુઅલટી ટો એનિમલ ના સહયોગથી દીપડાના બચ્ચાની તસ્કરીનો પર્દાફાશ થયો છે.
પાણેથા ગામે જુલાઈ મહિનામાં દીપડી પાંજરે પુરાઈ હતી. ત્યારે તળાવ પાસેથી તેનું એક મહિનાનું બચ્ચું ગૌતમ સૂર્યકાંત પાદરિયા પોતાના ઘરે ઉઠાવી લાવ્યો હતો.
ગૌતમ પોતે લવ બર્ડ અને વિદેશી પક્ષીઓ ઘરે ઓરડીમાં રાખી ધંધો કરે છે. જેને દીપડાના બચ્ચાને પણ ઘરે પાળી પોતાની પત્નીના નામે તેનું નામ મીઠું રાખ્યું હતું.
જેને જમવા મરઘી અને માછલી અપાતી હતી.તેનો સાથીદાર અને ડ્રાઈવિંગ કરતો ગામનો જ હરેશ અરવિંદ પાટણવાડિયા પણ દીપડાની તસ્કરી અને તેને વેચવાના ગુનામાં જોડાયો હતો.
વડોદરાના પાણીગેટના તાઈવાડામાં રહેતો અને બકરાનો ધંધો કરતો ઇરફાને આ દીપડાના બચ્ચાનો સોદો કર્યો હતો. અને એડવાન્સમાં 2 લાખ આપવાનું નક્કી થયું હતું.
જોકે તે પેહલા જ ઝઘડિયા RFO ની આગેવાનીમાં બુધવારે રાતે નેત્રંગ, ભરૂચ રેન્જ અને બે સંસ્થાઓએ દરોડો પાડી 4 મહિનાના દીપડાના બચ્ચા સાથે ગૌતમ અને હરેશની ધરપકડ કરી લીધી હતી.ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.કે. પરમારે જણાવ્યું હતું કે, દીપડાનો ઇન્ટરનેશનલ બજારમાં ભાવ ₹30 થી 35 લાખમાં છે.
ઈરફાન હાલ મુખ્ય સૂત્રધાર મનાઈ રહ્યો છે. જેને ગોતમને રીંછનો પણ વિડીયો મોકલી તેના ભાવ અંગે પૂછતાછ કરી હતી. વન વિભાગે ઝડપાયેલા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી વોન્ટેડ ઈરફાન અને બાંધેલા રીંછ સહિત આ વનયજીવોને વેચવાના રેકેટના મૂળિયા બહાર કાઢવા વધુ તપાસ શરૂ કરી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.